જૂનાગઢના રહેણાક વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની અવરજવર સતત વધી રહી છે, ત્યારે ફરી એકવાર મધુરમ વિસ્તારના મંગલધામ-3 સોસાયટીમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. ગીરનારની તળેટી નજીક આવેલી આ સોસાયટીમાં દીપડાએ ઘૂસીને એક શ્વાનનો શિકાર કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.


અવારનવાર આ વિસ્તારમાં સિંહ કે દીપડા જેવા વન્ય પ્રાણીઓ આવી ચડવાની ઘટનાઓ બને છે

સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી મંગલધામ વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો નિયમિતપણે દેખાઈ રહ્યો છે. શ્વાનનો શિકાર થવાની ઘટના બાદ લોકોમાં પોતાના અને પોતાના બાળકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા પ્રસરી ગઈ છે. રહેવાસીઓએ રાત્રે ઘરની બહાર નીકળવાનું ટાળી દીધું છે અને દિવસના અજવાળામાં પણ સજાગ રહેવું પડે છે. અવારનવાર આ વિસ્તારમાં સિંહ કે દીપડા જેવા વન્ય પ્રાણીઓ આવી ચડવાની ઘટનાઓ બને છે. વન વિસ્તારની નિકટતાને કારણે આવા બનાવો સ્વાભાવિક છે, પરંતુ માનવ વસવાટમાં દીપડાનો પ્રવેશ જોખમી સાબિત થઈ શકે છે.

દીપડાને પાંજરે પૂરીને તાત્કાલિક સુરક્ષિત વન વિસ્તારમાં ખસેડવાની માંગ

મંગલધામ-3ના રહીશોએ તુરંત જ વનવિભાગને જાણ કરી છે અને આ હિંસક પ્રાણીને ઝડપી પાડવા માટે કડક પગલાં લેવાની માંગણી કરી છે. સ્થાનિકોની માંગ છે કે, દીપડાને પાંજરે પૂરીને તાત્કાલિક સુરક્ષિત વન વિસ્તારમાં ખસેડવામાં આવે, જેથી રહેણાંક વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ પુનઃસ્થાપિત થઈ શકે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે.


આ પણ વાંચો - Kutch News: ભુજીયા ડુંગરની તળેટીમાંથી મળ્યો યુવાનનો મૃતદેહ



  • Follow us on: