જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કાલવાણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે ભૂમાફિયાના અસહ્ય ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. મૃતક યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેમાં તેણે અનિરુદ્ધસિંહ જખિયા નામના ભૂમાફિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે. યુવકનો આરોપ હતો કે આ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરી મુદ્દે તેણે ફરિયાદ કરી હોવાથી ભૂમાફિયા તેને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યો હતો. આ સતત માનસિક ત્રાસ અને ડરના કારણે યુવકે અંતે મોતનો માર્ગ પસંદ કર્યો છે.


ખનીજ માફિયાઓ બેફામ!

આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વાયરલ થયેલા વીડિયોમાં યુવકની વેદના સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે પ્રશાસનની નિષ્ફળતા સામે પણ સવાલો ઉભા કરે છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. ખનીજ ચોરી અને ભૂમાફિયાઓના વધતા વર્ચસ્વ વચ્ચે એક નિર્દોષ યુવકનો ભોગ લેવાતા હવે પોલીસ આ મામલે કેટલા કડક પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો : Amreli News : થર્ટી ફર્સ્ટ પૂર્વે અમરેલી પોલીસ એક્શન મોડમાં, જિલ્લાભરમાં 31 ચેકપોસ્ટ ઉભી કરી સઘન ચેકિંગ શરૂ

  • Follow us on: