કેશોદ તાલુકાના બડોદરા ગામે વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને કામગીરીની નબળી ગુણવત્તાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આયોજિત ગ્રામસભામાં સરપંચ સહિતના સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ એકસૂરે ભ્રષ્ટાચારનો વિરોધ કરી સભાનો બહિષ્કાર કર્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગામમાં મંજૂર થયેલા રોડ-રસ્તા, શાળા અને દવાખાનાના કામો લાંબા સમયથી અધૂરા પડ્યા છે અથવા તો અત્યંત નબળી ગુણવત્તાના કરવામાં આવ્યા છે. નક્કી કરવામાં આવેલી વિકાસલક્ષી કામગીરીઓ પૈકી એક પણ કામ પૂર્ણ ન થતા ગ્રામજનોએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
કેશોદમાં ભ્રષ્ટાચારનો હોબાળો
વિરોધનું મુખ્ય કારણ એ પણ છે કે ગ્રામસભા જેવા મહત્વના આયોજનમાં જવાબદાર સરકારી અધિકારીઓ હાજર રહેતા નથી, જેના કારણે ગ્રામજનો પોતાની સમસ્યાઓ કોની સમક્ષ રજૂ કરે તે પ્રશ્ન ઉભો થયો છે. આશ્ચર્યજનક રીતે, ગ્રામસભાના આ બહિષ્કારને ગામના તલાટી મંત્રીએ પણ સમર્થન આપ્યું છે, જે વહીવટી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટરો સામે પગલાં નહીં લેવાય અને અધૂરા કામો ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે.













