જામનગર-કાલાવડ હાઈવે આજે રક્તરંજિત બન્યો છે. કાલાવડના નવા માર્કેટિંગ યાર્ડ સામે આવેલી ક્રિષ્ના રેસ્ટોરન્ટ પાસે ઉભા રહીને શેરડીનો રસ પી રહેલા નિર્દોષ નાગરિકો પર એક બેફામ કાર કાળ બનીને ફરી વળી હતી. આ ભયાનક હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા અને એક આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.


રસની લિજ્જત માતમમાં ફેરવાઈ

બનાવની વિગત મુજબ, હાઈવે પરથી પસાર થઈ રહેલા મુસાફરો નવા માર્કેટિંગ યાર્ડ પાસે શેરડીના રસની ચીચોડીએ ઉભા રહીને રસ પી રહ્યા હતા. આ દરમિયાન રાજકોટ તરફથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી જ રસ પીતા લોકોમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારની ટક્કરથી લોકો હવામાં ફંગોળાયા હતા. આ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ થવાથી એક મહિલા અને એક યુવાનના શ્વાસ રૂંધાયા હતા.

ઘાયલોને રાજકોટ સિવિલમાં ખસેડાયા

આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને 108ની ટીમ દ્વારા ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ચાલક કાર મૂકીને થયો ફરાર

કાલાવડ ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક માનવતા નેવે મૂકીને પોતાની કાર સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ અને વાહનના નંબરના આધારે તેની શોધખોળ શરૂ કરી છે.


આ પણ વાંચો---    Mehsanaમાં ફિલ્મી ઢબે લૂંટ, પુત્રને વિદેશ મોકલવા રાખેલા 64 લાખ પિસ્તોલની અણીએ લૂંટાયા, એજન્ટના માણસો જ નીકળ્યા લૂંટારા

  • Follow us on: