કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાએ ૨૦૦૧ની ભયાનક યાદો તાજી કરી દીધી છે. રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતાનો મુખ્ય આંચકો આવ્યા બાદ અત્યાર સુધીમાં અંદાજે 18 જેટલા આફ્ટરશોક નોંધાયા છે. જોકે, રાહતની વાત એ છે કે મોટાભાગના આફ્ટરશોકની તીવ્રતા 1ની આસપાસ હોવાથી તે ખાસ અનુભવાયા નથી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ (ISR) ના ઇન્ચાર્જ ડિરેક્ટર સંતોષ કુમારે જણાવ્યું હતું કે, આ આંચકા એ જ રીજનમાં નોંધાયા છે જ્યાં વર્ષ 2001માં વિનાશક ભૂકંપ આવ્યો હતો. આ સતત થઈ રહેલી હલચલને કારણે તંત્ર દ્વારા કચ્છના સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે.


ગુજરાતમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છ

સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ ભૌગોલિક રીતે અત્યંત જોખમી ગણાતા 'ઝોન-5' માં આવે છે. નિષ્ણાત સંતોષ કુમારે ચેતવણી આપતા જણાવ્યું છે કે, આ ઝોનમાં વધુમાં વધુ 8ની તીવ્રતા સુધીનો શક્તિશાળી ભૂકંપ આવવાની ક્ષમતા રહેલી છે. માત્ર કચ્છ જ નહીં, પરંતુ ગુજરાતના તાલાલા અને નવસારી જેવા વિસ્તારોમાં પણ સમયાંતરે નાના આંચકા આવતા રહેતા હોય છે, જે પૃથ્વીના પેટાળમાં રહેલી ફોલ્ટ લાઈનોની સક્રિયતા દર્શાવે છે. હાલમાં કચ્છમાં આવી રહેલા આફ્ટરશોક પ્લેટોના સેટલમેન્ટની પ્રક્રિયાનો ભાગ હોઈ શકે છે, પરંતુ લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Kheda News : ડાકોરમાં બેદરકારીએ લીધો જીવ, ગોપાલપુરામાં દીવાલ ધરાશાયી થતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત

  • Follow us on: