કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા અને અસામાજિક તત્વોમાં ફાળ પડે તે હેતુથી ભચાઉ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ભચાઉના જૂના કટારીયા ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર પેશકદમી કરીને બનાવવામાં આવેલા મકાનને તંત્રએ તોડી પાડ્યું છે.
અનેક ગુનાઓ વિરુદ્ધ પહેલા નોંધાઇ છે ફરિયાદ
કચ્છમાં જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે આરોપીનું નામ ગુલવતસિંઘ ઉર્ફે સની સરદાર છે.પોલીસ રેકોર્ડ મુજબ, સની સરદાર એક રીઢો ગુનેગાર છે અને તેના વિરુદ્ધ અત્યંત ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. જેમાં નશીલા પદાર્થોની હેરાફેરી અન હત્યાના પ્રયાસ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. તેની ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી આસપાસના વિસ્તારમાં લાંબા સમયથી ભયનો માહોલ હતો.
ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું
આરોપીએ જૂના કટારીયા ગામમાં સરકારી માલિકીના કિંમતી જમીન પચાવી પાડી હતી અને તેના પર પાકું રહેણાંક મકાન બનાવી લીધું હતુ. સ્થાનિક તંત્ર દ્વારા આ દબાણને દૂર કરવા માટે અગાઉ નોટિસ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી અને બુલડોઝરની મદદથી આ ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતુ.
ગેરકાયદે પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે કાર્યવાહી
જે પ્રમાણે આ કાર્યવાહી દ્વારા વહીવટી તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુનાખોરી દ્વારા મેળવેલી મિલકતો કે સરકારી જમીન પરના દબાણો સાંખી લેવામાં આવશે નહીં. ગેરકાયદે પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે આગામી સમયમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રહેશે તેવી શક્યતા છે. આ ઓપરેશનને પગલે પંથકના ભૂમાફિયાઓ અને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે સામાન્ય નાગરિકોએ તંત્રના આ પગલાને આવકાર્યું છે.
આ પણ વાંચોઃ Ahmedabad: ઉત્તરાયણ દરમિયાન ગુજરાતમાં બે દિવસમાં ઇમરજન્સી કેસોમાં 33% નો જંગી વધારો