મધ્ય પૂર્વના દેશો ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની જ્વાળાઓ હવે ઉત્તર ગુજરાતના વેપાર સુધી પહોંચી છે. એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝા APMC (મસાલા માર્કેટ) પર આ આંતરરાષ્ટ્રીય સંઘર્ષની ઘેરી અસર જોવા મળી રહી છે. ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિને કારણે મસાલાની નિકાસ લગભગ ઠપ્પ થઈ ગઈ છે, જેના પરિણામે સ્થાનિક બજારમાં જીરાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.
જીરાના ભાવમાં રૂપિયા 500 સુધીનો ઘટાડો
વિદેશી ઓર્ડરો અટકી પડતા અને માલનો ભરાવો થતા જીરાના ભાવ તળિયે બેસી ગયા છે. અગાઉ જીરાનો ભાવ જે રૂપિયા 4400 થી 4700 ની આસપાસ હતો, તે ઘટીને હવે રૂપિયા 3900 થી 4100 સુધી પહોંચી ગયો છે. આમ, એક જ ઝટકે ભાવમાં રૂપિયા 400 થી 500નો કડાકો બોલતા ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. વેપારી સીતારામ પટેલના જણાવ્યા અનુસાર, માલની માગ ઘટતા બજારમાં ભારે અસમંજસની સ્થિતિ છે.













