મોરબી જિલ્લાના આમરણ ગામમાં તાજેતરમાં એક જ રાતમાં ત્રણ અલગ-અલગ દુકાનોને નિશાન બનાવીને ચોરીના બનાવો સામે આવતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. તસ્કરોએ રાત્રિના અંધારાનો લાભ લઈ એક જ્વેલર્સની દુકાન, એક ફરસાણની દુકાન અને એક મેડિકલ સ્ટોરને નિશાન બનાવ્યા હતા, જેમાં કુલ અંદાજે રૂપિયા 97,000ની મત્તાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.


જ્વેલર્સની દુકાનમાંથી 40,000ના સોના-ચાંદીના દાગીનાની ચોરી

ઘટનાની મળતી માહિતી અનુસાર, આમરણ ગામમાં તસ્કરોએ સૌ પ્રથમ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી હતી. દુકાનનું શટર તોડીને અંદર પ્રવેશ્યા બાદ ચોર ઈસમો આશરે રૂપિયા 40,000ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ તુરંત જ તસ્કરોનો બીજો ટાર્ગેટ ગામની ફરસાણની દુકાન બની હતી. અહીંથી દુકાનના ગલ્લામાં રાખેલી રૂપિયા 50,000ની રોકડ રકમની ચોરી થઈ હતી.

મેડિકલ સ્ટોરમાંથી 7000 રૂપિયાની ચોરી

ત્રીજા બનાવમાં, તસ્કરોએ એક મેડિકલ સ્ટોરને પણ ન છોડ્યો અને ત્યાંથી પણ ગલ્લામાં રાખેલા રૂપિયા 7,000 રોકડા લઈને પલાયન થઈ ગયા હતા. આ સમગ્ર ચોરીના બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, તસ્કરો કઈ રીતે ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આ ફૂટેજ પોલીસ માટે તપાસની દિશા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ

સવાર પડતા જ ત્રણેય દુકાનના માલિકોને ચોરી થયાની જાણ થતાં તેઓએ તાત્કાલિક મોરબી તાલુકા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કર્યું હતું અને સામે આવેલા સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી, વધુ તપાસ અને ચોરી કરનાર ઈસમોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરા ઉપરી ચોરીના કારણે સ્થાનિક વેપારીઓ રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી રહ્યા છે.


આ પણ વાંચો - Banaskantha News: પોક્સોના આરોપીને દિયોદર એડિશનલ સેશન કોર્ટે ફટકારી 20 વર્ષની સજા


  • Follow us on: