મોરબી જિલ્લાના હળવદ શહેરમાં રાણેકપર રોડ ઉપર આવેલ આનંદ બંગલોઝ ખાતે રહેતા અને યાર્ડમાં વેપાર કરતાં વેપારી રોકડા રૂપિયા થેલામાં ભરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેને રસ્તામાં આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટીને રોકડા રૂપિયા ભરેલ થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી. જે ગુનામાં પોલીસે મોરબીના બે શખ્સની ધરપકડ કરી છે અને તેની પાસેથી રોકડ, કાર અને ચોરાઉ બાઇક કબ્જે કર્યું છે.


બે શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવી

હળવદમાં આવેલ રાણેકપર રોડ ઉપર આનંદ બંગલોઝ ખાતે રહેતા વેપારી રજનીકાંતભાઇ ગત તા.2ના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં તેઓ યાર્ડ ખાતેથી થેલામાં રોકડા 6.90 લાખ રૂપિયા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રાણેકપર રોડ ઉપર અજાણ્યા બે બુકાનીધારી શખ્સો દ્વારા તેને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી અને ત્યારબાદ તેના બાઈક ઉપર રાખેલ થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી.જે થેલામાં 6.90 લાખ રૂપિયા રોકડા ભરેલ હતા જેથી ભોગ બનેલા વેપારી રજનીકાંત દેથરીયાએ અજાણ્યા બે શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

લૂંટ કરીને આરોપીઓએ નાસી ગયા હતા

વેપારી પાસેથી રોકડ રૂપિયાની લૂંટ કરીને આરોપીઓએ નાસી ગયા હતા. જેથી વેપારીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.આ દરમિયાન પોલીસ દ્વારા આ ગુનામાં આરોપી રાહુલ ઉર્ફે પીંગરો હળવદિયા તથા કિશન પરસાડીયાની ધરપકડ કરી છે. બંને પાસેથી લૂંટમાં ગયેલ રોકડ પૈકી 5,11,800ની રોકડ તેમજ લૂંટના રૂપિયાથી ખરીદી કરેલ આઈ 20 કાર નંબર જીજે 27 એએચ 2440 અને લૂંટના ગુનાને અંજામ આપવા માટે ઉપયોગમાં લીધેલ ચોરી કરેલ બાઈક પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે. પોલીસે બંનેના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: તો શું હવે સુભાષ બ્રિજ બાદ દધીચી બ્રિજનો વારો આવશે? મનપાએ અચાનક ઈન્સપેક્શન શરૂ કર્યું


  • Follow us on: