મોરબી જિલ્લામાં કથિત દારૂબંધીના ધજાગરા વચ્ચે સ્થાનિક જનતાએ અસાધારણ પગલું ભર્યું છે. મોરબી-માળીયા હાઇવે રોડ પર આવેલા વીરવીદરકા ગામના પાટીયા નજીક સ્થાનિક લોકોએ જાતે જ એક 'જનતા રેડ'નું આયોજન કરીને દારૂના મોટા જથ્થાને ઝડપી લીધો છે. મળતી માહિતી અનુસાર, રવિવારે સાંજે હાઇવે પરથી પસાર થતી એક શંકાસ્પદ સ્કોર્પિયો ગાડી પર સ્થાનિકોની નજર પડી હતી. દારૂની હેરાફેરી થતી હોવાની શંકાના આધારે, ગામના જાગૃત નાગરિકોએ તાત્કાલિક અન્ય વાહનો આડા ઉભા રાખીને સ્કોર્પિયો ગાડીને રોકી લીધી હતી.
દેશી દારૂનો આશરે 500 લીટર જેટલો મોટો જથ્થો ઝડપાયો
વાહનનું ચેકિંગ કરતાં અંદરથી દેશી દારૂનો આશરે 500 લીટર જેટલો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે દારૂબંધીના દાવાઓ સામે ગંભીર સવાલ ઉભો કરે છે. જથ્થો ઝડપાયા બાદ, જનતા દ્વારા તાત્કાલિક માળીયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, આ ઘટનામાં પોલીસની ધીમી ગતિએ પણ સ્થાનિકોમાં રોષ પેદા કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, માત્ર સાત કિલોમીટરનું અંતર હોવા છતાં, પોલીસને ઘટનાસ્થળે પહોંચવામાં લગભગ પોણો કલાક જેટલો સમય લાગ્યો હતો.













