ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ગાંધીનગર એસીબીને મોટી સફળતા મળી છે. નડીઆદ સ્થિત કેન્દ્રીય જીએસટી ભવનમાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા અધિકારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઓપરેશનમાં જીએસટી સુપરિન્ટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટર લાખો રૂપિયાની લાંચ લેતા પકડાઈ જતાં સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


ગાડી છોડવા પેટે માંગી હતી 55 લાખની લાંચ

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ફરિયાદીની સામાન ભરેલી ગાડીને છોડવા માટે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ 55 લાખ રૂપિયાની માતબર રકમની લાંચ માંગી હતી. ફરિયાદી આટલી મોટી રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ગાંધીનગર એસીબીની ટીમે નડીઆદમાં જાળ બિછાવી હતી.

10 લાખનો પ્રથમ હપ્તો લેતા ધરપકડ

ફરિયાદી જ્યારે લાંચની રકમનો પ્રથમ હપ્તો એટલે કે 10 લાખ રૂપિયા આપવા પહોંચ્યા ત્યારે એસીબીએ ત્રાટકીને બે અધિકારીઓને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં સુપરિન્ટેન્ડન્ટ અમરનાથ ગોવર્ધનરામ સરોજ અને ઇન્સ્પેક્ટર સુબોધ સુભાષ ચૌહાણનો સમાવેશ થાય છે. એસીબીએ બંને અધિકારીઓની ધરપકડ કરી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ટ્રેપને પગલે કેન્દ્રીય જીએસટી વિભાગમાં મોટો ખળભળાટ મચી ગયો છે.


આ પણ વાંચો----     Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ

  • Follow us on: