ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં પીપલગ ચોકડી પાસે આવેલા પ્રસિદ્ધ રિયા પાર્ટી પ્લોટમાં આજે આગની એક મોટી ઘટના બની હતી. રિયા પાર્ટી પ્લોટના હોલમાં સંગ્રહિત કરવામાં આવેલા પૂંઠાના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળતા આખાય હોલને આગે પોતાની લપેટમાં લઈ લીધો હતો.
આગનું વિકરાળ સ્વરૂપ અને કારણ
ઘટનાની મળતી માહિતી અનુસાર, રિયા પાર્ટી પ્લોટના હોલમાં મોટી માત્રામાં પૂંઠાનો જથ્થો પડ્યો હતો. કોઈ અજ્ઞાત કારણોસર આ પૂંઠામાં આગ લાગી હતી. રિયા પાર્ટી પ્લોટના હોલની દીવાલો કાચની હોવાને કારણે ગરમી અને આગ ઝડપથી પ્રસરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દૂર-દૂર સુધી દેખાતા ધુમાડાના ગોટેગોટાને કારણે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.













