નવસારીમાં ફરજ બજાવતા એક મહિલા બૂથ લેવલ ઓફિસર (BLO) પર ઉપરી અધિકારીઓના અસહ્ય દબાણને કારણે તેમની તબિયત લથડી હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. BLO શીતલ પટેલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, BLO શીતલ પટેલના પુત્રના લગ્ન હોવા છતાં તેમને ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ હેઠળ ફરજ બજાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ જબરજસ્તી અને કામગીરીના અતિશય ભારણના કારણે તેમની તબિયત અચાનક લથડી હતી.
માતાની વ્હારે દીકરી
આ મામલો BLO શીતલ પટેલની દીકરીના ધ્યાને આવતાં તેણે ઉપરી અધિકારીઓ સામે મોરચો ખોલ્યો છે. દીકરીએ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ દ્વારા તેમની માતાને હાજર થવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું અને કલેક્ટરની નોટિસની ધમકી આપીને ફરજ પર આવવા ફરમાન કરાયું હતું. મહિલા BLOની તબિયત લથડતાં તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દીકરીના ખુલાસા બાદ વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે. અધિકારીઓ દ્વારા BLO પર કરવામાં આવતા અયોગ્ય દબાણનો આ મામલો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.













