નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર સ્થિત જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલનું લોકાર્પણ કર્યું હતું.નાયબ મુખ્યમંત્રીએ રમત સંકુલ ખાતે વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે બેડમિન્ટન રમીને રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડી સંવાદ સાધ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના રમતવીરો વિવિધ સ્પર્ધાઓમાં રાજ્ય અને દેશનું નેતૃત્વ કરે તથા તેમને યોગ્ય તાલીમ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા રમત સંકુલ, પાલનપુર ખાતે મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલ કાર્યરત કરાયો છે.
રમતવીરોને ઘર આંગણે સુવિધાઓ પ્રદાન થશે
કુલ રૂ. ૯.૨૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ આ વાતાનુકુલિત હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ, શુટિંગ રેન્જ તેમજ બોર્ડ ગેમ્સ માટેની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ સાથે ટોઇલેટ બ્લોક, લોકર રૂમ, ફર્સ્ટ એઇડ રૂમ, સ્ટાફ રૂમ, સ્ટોર રૂમ, ફાયર સિસ્ટમ અને CCTV જેવી જરૂરી સુવિધાઓ થકી જિલ્લાના રમતવીરોને ઘર આંગણે સુવિધાઓ પ્રદાન થશે.













