પંચમહાલની પવિત્ર ગણાતી ગૌધરા (ગોધરા)ની ધરતી પરથી સનાતન ધર્મના રક્ષણ અને ઉત્થાન માટે એક મોટો હુંકાર કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ દિવસથી પંચમહાલના પ્રવાસે આવેલા દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ ગોધરાની ધર્મસભામાં ગાય માતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની પ્રબળ માંગ કરી છે.


ધર્માન્તરણ સામે લાલ આંખ

શંકરાચાર્યએ આદિવાસી વિસ્તારોમાં વધી રહેલા ધર્માન્તરણના મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભોળા આદિવાસીઓને વિવિધ પ્રલોભનો આપીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે, જે અટકાવવું અત્યંત અનિવાર્ય છે. આ હેતુથી જ તેઓ પોતે આદિવાસીઓ વચ્ચે જઈ સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, જેથી કરીને લોકો પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે.

વર્ણ વ્યવસ્થા અંગે મહત્વનું નિવેદન

વર્તમાન સમયમાં ચાલતી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા શંકરાચાર્યએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, સનાતન સંસ્કૃતિમાં વર્ણ વ્યવસ્થા અનિવાર્ય છે. લોકો ભલે ગમે તેટલી બૂમો પાડે કે વર્ણ વ્યવસ્થા દૂર થવી જોઈએ, પરંતુ તે શક્ય નથી. મહત્વનું એ છે કે, વર્ણ વ્યવસ્થામાં દરેક વ્યક્તિએ એકબીજાના વર્ણનું સન્માન કરવું જોઈએ.

ગૌરક્ષા માટે આહવાન

ગોધરાનું નામ જેનો અર્થ 'ગાયોની ધરા' થાય છે, ત્યાંથી શંકરાચાર્યએ ગૌરક્ષા માટે હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગાય એ માત્ર પશુ નથી પણ ભારતીય સંસ્કૃતિનો આધાર છે. જો તેને રાષ્ટ્રીય કક્ષાએ સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવે, તો જ તેની સાચા અર્થમાં રક્ષા થઈ શકશે. પાંચ દિવસીય પ્રવાસના અંતે શંકરાચાર્યના આ કડક અને સ્પષ્ટ વલણને કારણે સમગ્ર પંથકમાં સનાતન ધર્મ અને ગૌરક્ષાને લઈને નવી ચેતનાનો સંચાર થયો છે.


આ પણ વાંચો - Banaskantha News: વાવ-થરાદમાં લવ જેહાદની ઘટના, સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરાતા બે સામે ફરિયાદ


  • Follow us on: