રાજકોટ શહેરમાં આજે બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના બહુચર્ચિત 'દિવ્ય દરબાર'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈને એક તરફ ભક્તોમાં ભારે ઉત્સાહ છે, તો બીજી તરફ તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. રાજકોટના જાણીતા સામાજિક અગ્રણી પુરૂષોત્તમ પીપળીયા આ દિવ્ય દરબારના વિરોધમાં ઉતરી આવ્યા છે. વિરોધ વચ્ચે પુરૂષોત્તમ પીપળીયાએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી અને બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પર આકરા પ્રહારો કર્યા હતા.
"આ દિવ્ય દરબાર નથી, પણ પ્રેત દરબાર છે"
સામાજિક અગ્રણી પુરૂષોત્તમ પીપળીયાએ બાગેશ્વરધામના આ કાર્યક્રમ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "આ કોઈ દિવ્ય દરબાર નથી, પરંતુ 'પ્રેત દરબાર' છે." તેમણે પોતાના આ નિવેદન પાછળનું કારણ આપતા ઉમેર્યું કે, જે સ્ટેજ પર ડાકણ, શાકણ અને પિશાચોના નામે લોકોને ધુણાવવામાં આવતા હોય, તેને કોઈ કાળે દિવ્ય દરબાર કહી શકાય નહીં. આ માત્ર અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ છે.
બાબાને આપ્યો ખુલ્લો પડકાર
પોતાના વિરોધ વચ્ચે પુરુષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને એક ખુલ્લો પડકાર પણ ફેંક્યો છે. તેમણે જણાવ્યું કે, "જો બાબા અંતર્યામી હોય અને ચમત્કાર કરી શકતા હોય, તો તેઓ મારા પ્રશ્નોના સાચા જવાબ આપી બતાવે. જો તેઓ મારા સવાલોના સાચા જવાબ આપશે, તો હું જ અંધશ્રદ્ધાનો વિરોધ કરવાનું છોડી દઈશ, તેમનો પરમ ભક્ત બની જઈશ અને આજીવન તેમનો પ્રચાર પણ કરીશ."
દરબારમાં જવા માટે પોલીસ પ્રોટેક્શન ન મળ્યું, ઘરની બહાર પોલીસ તૈનાત
આ વિવાદ વચ્ચે એક મહત્વની વિગત સામે આવી છે કે, પુરૂષોત્તમ પીપળીયાએ લોક દરબારમાં રૂબરૂ જઈને વિરોધ કરવા કે પ્રશ્નો પૂછવા માટે પોલીસ પ્રશાસન પાસે સ્પેશિયલ પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. જોકે, પોલીસે સુરક્ષાના કારણોસર તેમને દરબારમાં જવા માટે બંદોબસ્ત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.
બીજી તરફ, પુરૂષોત્તમ પીપળીયા કોઈપણ ભોગે લોક દરબારમાં જવા માટે મક્કમ હોવાથી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે સાવચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા તેમના ઘરની બહાર જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી તેઓ ઘરની બહાર ન નીકળી શકે. હાલ આ મામલે રાજકોટના રાજકારણ અને સામાજિક વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.
આ પણ વાંચો - Rajkot News: ‘કોકરોચ પાર્ટી’ અને ‘દોસ્તી જેહાદ’ પર બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન