Rajkot : દિલ્હીમાં કોળી સમાજના બે અલગ સંમેલનો યોજાતા મોટો વિવાદ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે કહ્યું- 'આ સમાજ હિત નહીં, વ્યક્તિગત સ્વાર્થ છે!'
Rajkot : દિલ્હીમાં કોળી સમાજના બે અલગ સંમેલનો યોજાતા મોટો વિવાદ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે કહ્યું- 'આ સમાજ હિત નહીં, વ્યક્તિગત સ્વાર્થ છે!'
ગુજરાતના રાજકારણમાં સૌથી મોટું પ્રભુત્વ ધરાવતા કોળી સમાજમાં આંતરિક જૂથબંધી અને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે
Gujarat| By Sandesh Team | Published: Jun 09, 2026 03:38 pm
સંમેલનનો વિવાદ
ગુજરાતના રાજકારણમાં સૌથી મોટું પ્રભુત્વ ધરાવતા કોળી સમાજમાં આંતરિક જૂથબંધી અને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. દેશની રાજધાની દિલ્હી ખાતે કોળી સમાજના બે દિગ્ગજ નેતાઓ દ્વારા એક જ સમયે બે અલગ-અલગ રાષ્ટ્રીય સંમેલનો બોલાવવામાં આવતા સમાજમાં ભાગલા પડ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ હાઈપ્રોફાઈલ વિવાદને લઈને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ એક અત્યંત સનસનાટીપૂર્ણ નિવેદન આપતાં આખો મામલો ગરમાયો છે.
સ્વાર્થ માટે અને રાજકીય લાભ માટે 21 તારીખનું આ સંમેલન બોલાવાનું નક્કી કર્યું
કુંવરજી બાવળીયાએ વીડિયો જાહેર કરીને કહ્યું કે દિલ્હીમાં ભારતીય કોળી સમાજનું સંમેલન યોજાવાનું છે. મહારાષ્ટ્રના કોળી સમાજને મારી વિનંતી છે કે તમે 14 જૂનના રાષ્ટ્રીય અધિવેશનમાં આવો.હું તમને આમંત્રીત કરું છું. કોઇકે 21 તારીખે અખિલ ભારતીય કોળી સમાજના નામે બીજું સંમેલન બોલાવા એલાન કર્યું છે પણ આ લોકોમાંથી મોટાભાગના પોતાના સ્વાર્થ માટે અને રાજકીય લાભ માટે 21 તારીખનું આ સંમેલન બોલાવાનું નક્કી કર્યું છે. આમાંથી ઘણા એવા છે કે ઘણા વર્ષોથી કોળી સમાજના રાષ્ટ્રીય સંમેલનમાં સામેલ છે પણ સમાજ માટે કંઇ કર્યું નતી. ગુજરાતના ત્રણ ચાર જણ છે. બીજા રાજ્યના પણ છે તેમણે આ સંમેલન બોલાવ્યું છે પણ આ લોકોએ કોળી સમાજ માટે કંઇ કર્યું નથી તે તમને પણ ખબર છે. હું તમને કહીશ કે અખિલ ભારતીય કોળી સમાજના બંધારણમાં યુવા અને મહિલાઓને સામેલ કરવા જુના લોકોએ માત્ર વિરોધ જ કરેલો છે. પણ મને કોળી સમાજનો રાષ્ટ્રીય પ્રમુખ બનાવ્યો ત્યારે મે મહિલા અને યુવાઓને સામેલ કરવાનો પુરો પ્રયાસ કર્યો છે. જેથી સંગઠન સાથે જોડાયેલા કોળી સમાજના બંધુઓને વિનંતી છે કે તેઓ 14 તારીખે ચોક્કસ આવે.
મળતી વિગતો મુજબ, દિલ્હીમાં એક સંમેલન ગુજરાતના કદાવર નેતા કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે, જ્યારે બીજું સમાંતર સંમેલન વિરેન્દ્ર કશ્યપ દ્વારા બોલાવવામાં આવ્યું છે. સમાજના બે મોટા માથાઓ વચ્ચેની આ લડાઈ હવે જાહેરમાં આવી ગઈ છે.
સમાજમાં મોટું વિભાજન ઊભું કરવાનું કામ
આ અંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, એક જ જ્ઞાતિના આવા બે અલગ-અલગ કાર્યક્રમો સમાજમાં મોટું વિભાજન ઊભું કરવાનું કામ કરી રહ્યા છે. આ સંમેલનો પાછળ સમાજનું કોઈ હિત છુપાયેલું નથી, પરંતુ નેતાઓનું માત્ર વ્યક્તિગત હિત (સ્વ-હિત) અને રાજકીય રોટલા શેકવાની ગણતરી છે.
કોઈ પણ વ્યક્તિએ આ બંનેમાંથી એક પણ સંમેલનમાં હાજરી આપવી જોઈએ નહીં
પ્રવીણભાઈ કોળીએ દેશ અને ગુજરાતભરના કોળી સમાજના આગેવાનો તેમજ ભાઈઓને ખુલ્લી અપીલ કરી છે કે સમાજના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને કોઈ પણ વ્યક્તિએ આ બંનેમાંથી એક પણ સંમેલનમાં હાજરી આપવી જોઈએ નહીં. જો સમાજના લોકો આવા અલગ પક્ષોમાં વહેંચાશે તો સંગઠનની શક્તિ નબળી પડશે.
સંમેલનો ઉપર સૌની નજર
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં આ નિવેદન બાદ ભારે ખળભળાટ મચી ગયો છે અને આગામી દિવસોમાં કોળી સમાજનું આ આંતરિક યુદ્ધ કયું નવું સ્વરૂપ લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.