શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના 08-03-2010 ના રોજ લેઉવા પાટીદાર સમાજના સંગઠનને મજબુત બનાવવા અને આ સંસ્થા દ્વારા તમામ સમાજની એકતા થાય તે માટે કરવામાં આવી હતી.
લેઉવા પાટીદાર સમાજનું સંગઠન વધુ મજબૂત થાય તેવા પ્રયાસ
લેઉવા પાટીદાર સમાજનું સંગઠન વધુ મજબૂત થાય અને આ સંગઠન થકી સર્વ સમાજનો સર્વાંગી ઉત્કર્ષ થાય, એકની શક્તિ અન્યને પણ કામ લાગે અને રાષ્ટ્ર કલ્યાણની ભાવના ઉજાગર થાય તે હેતુથી મા ખોડલની ધર્મ ધ્વજા ફરકાવવામાં આવી અને માતાજીના ઐતિહાસિક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. શ્રી ખોડલધામ કાગવડ ખાતે માતાજીના સાનિધ્યમાં ટ્રસ્ટ દ્વારા આધ્યાત્મિક પ્રવૃત્તિની સાથોસાથ જનજાગૃતિ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને રમત-ગમત, જ્ઞાતિ વિકાસ માટેનો અવિરત સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.
કાગવડ ગામ પાસે બેનમૂન શિલ્પ સ્થાપત્ય સાથે અને શાસ્ત્ર અનુસાર ભવ્યાતિભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે બેનમૂન શિલ્પ સ્થાપત્ય સાથે અને શાસ્ત્ર અનુસાર ભવ્યાતિભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ કાર્ય કરાયું છે. રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બયાના ગામ નજીક ખાણમાંથી નીકળતા બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી ખોડલધામ મંદિરનું નિર્માણ કરાયું છે.મંદિરની પહોળાઈ 252 ફૂટ, 5 ઇંચ છે. મંદિરની લંબાઈ 298 ફૂટ, 7 ઇંચ છે જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફૂટ, 1 ઇંચ છે.
મંદિરમાં મા ખોડલની સાથે કુલ 21 દેવી-દેવતાની પણ સ્થાપના કરાઈ
મંદિરમાં મા ખોડલની સાથે કુલ 21 દેવી-દેવતાની પણ સ્થાપના કરાઈ છે. આ ભવ્ય મંદિરમાં માં ખોડિયારની મૂર્તિઓની સાથે માં અંબા, માં બહુચર, માં આશાપુરા, માં વેરાઇ, માં મહાકાળી, માં અન્નપૂર્ણા, માં ગાત્રાળ, માં રાંદલ, માં બુટભાવાની, માં બ્રહ્માણી, માં મોમાઈ, માં ચામુંડા, માં ગેલ, માં શિહોરી, માં નાગબાઈ, માં હરસિદ્ધિ, વીર હનુમાનજી, ગણપતિજી, રામ-સીતા અને રાધા-કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.
શાસ્ત્ર મુજબ ભવ્ય મંદિરનું નિર્માણ
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક બેનમૂન શિલ્પ સ્થાપત્ય અને શાસ્ત્ર મુજબ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. ખોડલધામ મંદિર બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળે છે.
સમાજને એક તાંતણે બાંધવો કેવી રીતે ?,અંતે મંદિર નિર્માણનો વિચાર સામે આવ્યો
ખોડલધામ મંદિર બનાવવાનો વિચાર કે જે સમગ્ર લેઉવા પટેલ સમાજની એકતાનું પ્રતિક છે તે નરેશભાઇ પટેલને 2002માં આવ્યો હતો. જ્યારે નરેશભાઇ પટેલની શિવોત્રી વાડીએ પાંચ-છ મિત્રો સાથે બેઠા હતા, ત્યારે નરેશભાઇ પટેલે મિત્રોને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે આવો એક મોટો લેઉવા પટેલ સમાજ, આટલી મોટી તાકાત છતાં સમાજ વેરવિખેર થઈ ગયો છે. જો આ સમાજ એકઠો થાય તો તાકાત અનેકગણી વધી જાય અને આ તાકાતનો ઉપયોગ સર્વ સમાજના નિર્માણ માટે થઈ શકે. વિચાર સારો હતો પરંતુ સવાલ એ હતો કે સમાજને એક તાંતણે બાંધવો કેવી રીતે ?,અંતે મંદિર નિર્માણનો વિચાર સામે આવ્યો. મંદિર જ એવું સ્થળ બની શકે જેની નીચે સમાજ એકત્ર થઈ શકે અને મંદિર સમાજનું છત્ર બની શકે.
આ પણ વાંચો---- Rajkot : ખોડલધામમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને સંગઠન અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઇ