રાજકોટમાં નશાબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવા માટે અવનવા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઉપરથી પસ્તીના જથ્થાથી ભરેલી દેખાતી આ ટ્રકની અંદર પસ્તીની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ટ્રકમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ કબજે કરીને હેરાફેરીના આ મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તપાસ તેજ કરી
આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી દારૂની હેરાફેરી કરી રહેલા ધર્મેન્દ્ર ઠાકોર અને મોહન ભીલ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, દારૂનો આ જથ્થો રાજકોટના બુટલેગર કેતન રાઠોડે મંગાવ્યો હતો. પોલીસે ટ્રક, વિદેશી દારૂ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય સૂત્રધાર કેતન રાઠોડને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં પણ ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.













