રાજકોટના જંગલેશ્વરમાં શહેરના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન થવા જઈ રહ્યું છે. 1358 બાંધકામો તોડી પાડવા માટે આખરી નોટિસ આપવામાં આવી છે ત્યારે જંગલેશ્વરના રહેવાસીઓ માટે ઘર સાથે આખી દુનિયા લૂંટાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે
1358 ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો માસ્ટર પ્લાન તૈયાર
રાજકોટના જંગલેશ્વર વિસ્તારના રહીશો અત્યારે એક ભય અને ચિંતાના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. વહીવટી તંત્રે આ વિસ્તારમાં 1358 ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે. કલેક્ટર તંત્ર દ્વારા રહેવાસીઓને અંતિમ નોટિસ ફટકારી દેવામાં આવી છે. વર્ષોથી અહીં વસેલા લોકો માટે હવે ઘર સાથે આખી દુનિયા લૂંટાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ માત્ર પથ્થરોનું બાંધકામ તોડવાની વાત નથી, પણ 20 હજારથી વધુ લોકોના અસ્તિત્વનો સવાલ છે.
5000 જેટલા બાળકોના શિક્ષણ પર જોખમ
આ ડિમોલેશનની સૌથી મોટી અને માઠી અસર જો કોઈને થવાની હોય તો તે છે બાળકો. આ વિસ્તારમાં રહેતા આશરે 5000 જેટલા બાળકોના શિક્ષણ પર જોખમ ઉભું થયું છે. ખાસ કરીને ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ જે અત્યારે બોર્ડની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હોવા જોઈએ, તેમના મનમાં આજે પોતાના ઘર બચાવવાની ચિંતા છે. શિક્ષણની સાથે-સાથે આ પરિવારો સામે રોજગારી અને આરોગ્યના પ્રશ્નો પણ વિકરાળ બનીને ઉભા છે.
વિશાળ સમુદાયના પુનઃવસન અંગે હજુ પણ અનેક સવાલો
આ વિસ્તારમાં અનેક એવી વિધવા અને નિરાધાર મહિલાઓ છે જેમના માટે આ ઘર જ એકમાત્ર આશરો હતો. કલેક્ટર તંત્ર પોલીસ બંદોબસ્ત મળ્યે કાર્યવાહી કરવા મક્કમ છે, ત્યારે માનવીય દ્રષ્ટિકોણથી આટલા વિશાળ સમુદાયના પુનઃવસન અંગે હજુ પણ અનેક સવાલો વણઉકલ્યા છે. શું તંત્ર આટલા પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા આપશે? કે પછી હજારો લોકો મધરાતે રસ્તા પર આવી જશે?
તંત્ર આ દબાણ દૂર કરવા માટે એકદમ મક્કમ
રાજકોટ કલેક્ટર તંત્ર આ દબાણ દૂર કરવા માટે એકદમ મક્કમ છે અને પોલીસ ફોર્સની માંગણી પણ કરી લેવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહેશે કે આટલા મોટા પાયે થનારા ડિમોલેશન બાદ જંગલેશ્વરના 20 હજાર લોકોનું ભવિષ્ય શું હશે?
આ પણ વાંચો----- DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ