સુરત શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે કાર્યરત સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસને મોટી સફળતા મળી છે. SOGની ટીમે એક આરોપીની ગેરકાયદેસર 374 ગ્રામ 'હાઈબ્રિડ ગાંજા' સાથે ધરપકડ કરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં નશીલા પદાર્થો સાથે સંકળાયેલા એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ "હાઈબ્રિડ ગાંજો" એક વિશેષ પ્રકારનો નશીલો પદાર્થ છે, જે યુવાનોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
પોલીસે કરી વાલીઓને અપીલ
આ ઝડપાયેલા કેસના પગલે, સુરત SOG પોલીસે શહેરના વાલીઓ અને માતા-પિતાને ખાસ અપીલ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, તમામ વાલીઓએ સાવધાન રહેવું. આપના બાળક નશીલા પદાર્થોનું સેવન ન કરે અથવા આવી કોઈ લત ન લાગે તે બાબતે વિશેષ ધ્યાન આપવું અને તેમના પર દેખરેખ રાખવી. આ કાર્યવાહી કરીને પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, યુવાનોમાં નશાખોરી અટકાવવા માટેની ઝુંબેશ ચાલુ રહેશે અને નશીલા પદાર્થોના વેચાણ તેમજ હેરાફેરીમાં સંકળાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.













