સુરતમા તાજેતરમાં જ એક માર્કેટમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબુમાં આવી હતી. હવે શહેરના પાલનપુર બિઝનેસ પ્લાઝામાં મોડી રાત્રે આગ લાગી હતી. સોફાના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ દરમિયાન ત્યાં સ્થિત હોટેલમાં કેટલાક લોકો ફસાયા હોવાથી તેમનું તાબડતોબ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
સાતથી આઠ લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું
સુરત શહેરમાં પાલનપુર સોલિટેર બિઝનેસ પ્લાઝા ખાતે સોફાના ગોડાઉનમાં મોડી રાત્રે અચાનક વિકરાળ આગ લાગી હતી. આગ વધુ વિકરાળ બનતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આગની ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન ત્યાં સ્થિત એક હોટેલમાંથી સાતથી આઠ લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.













