સુરત મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી પ્રતીક્ષિત કતારગામ વિસ્તારના રત્નમાલા બ્રિજનું આખરે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ શરૂ થવાથી કતારગામ અને અમરોલી વિસ્તારના લાખો રહીશો માટે ટ્રાફિકની સમસ્યા હવે ભૂતકાળ બની જશે. નોંધનીય છે કે, બ્રિજની કામગીરી અને ઉદ્ઘાટનમાં થઈ રહેલા વિલંબ અંગે સંદેશ ન્યૂઝ દ્વારા એક વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેના પગલે સુરત મનપા તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે લોકાર્પણની તૈયારીઓ આરંભી દીધી હતી.

સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં બ્રિજને વિધિવત રીતે ખૂલ્લો મૂકાયો

મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામના વિસ્તારના રત્નમાલા બ્રિજને આજે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે રૂપિયા 62.84 કરોડ થયો છે. આ બ્રિજ કાર્યરત થવાથી સુરતના સૌથી ગીચ વિસ્તારોમાં ગણાતા કતારગામ અને અમરોલી વચ્ચેની કનેક્ટિવિટીમાં મોટો સુધારો આવશે. પીક અવર્સ દરમિયાન જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા અને વાહનચાલકોનો જે કિંમતી સમય વેડફાતો હતો, તેમાંથી હવે મોટી રાહત મળશે.

મીડિયાના હકારાત્મક હસ્તક્ષેપ બાદ ત્વરિત કામગીરી કરાઇ

આ પ્રોજેક્ટ અગાઉ તેના ધીમી ગતિના નિર્માણ કાર્યને કારણે વિવાદમાં રહ્યો હતો. સ્થાનિક લોકોમાં પણ કામગીરીની ગોકળગાય ગતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જોકે, મીડિયાના હકારાત્મક હસ્તક્ષેપ અને તંત્રની ત્વરિત કાર્યવાહી બાદ હવે આ સુવિધા લોકસેવા માટે ઉપલબ્ધ બની છે. લોકાર્પણ પ્રસંગે મનપાના પદાધિકારીઓ અને સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ બ્રિજને શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં એક મહત્વનું પગલું ગણાવ્યું હતું. આ બ્રિજ માત્ર એક રસ્તો નથી, પરંતુ સુરતના રત્નકલાકારો અને સામાન્ય નાગરિકો માટે સુવિધા અને સમયની બચતનું નવું માધ્યમ બનશે.

આ પણ વાંચોઃ વેજલપુરમાં 7 લાખના ઉપરાંતના એમ ડી ડ્રગ્સના જથ્થા સાથે મહિલા અને પુરુષ ઝડપાયા, પોલીસ તપાસ શરુ