દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ સુરતનું કાપડ બજાર લાંબા સમયથી મંદીના માહોલનો સામનો કરી રહ્યું હતું. ઉત્પાદનથી લઈને ડિસ્પેચ સુધીની તમામ પ્રક્રિયાઓ ધીમી પડી ગઈ હતી. જોકે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ બજારના સમીકરણો બદલાયા છે.
દેશભરના બજારોમાંથી ઓર્ડરનો ધોધ છૂટ્યો
આગામી સમયમાં આવી રહેલી ઈદ અને લગ્નસરાની સિઝનને કારણે અચાનક દેશભરના બજારોમાંથી ઓર્ડરનો ધોધ છૂટ્યો છે. આ માગને કારણે સુરતના ટેક્સટાઇલ સેક્ટરમાં લાંબા સમય બાદ એક નવો ઉત્સાહ અને પ્રાણ ફૂંકાયા હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
તેજીનું સૌથી મોટું પ્રમાણ ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં જોવા મળી રહ્યું છે
બજારમાં આવેલી તેજીનું સૌથી મોટું પ્રમાણ ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં જોવા મળી રહ્યું છે. માત્ર એક મહિના પહેલા જ્યાં સુરતથી દરરોજ માંડ 150 જેટલી ટ્રકો કાપડનો માલ લઈને રવાના થતી હતી, ત્યાં આજે આ આંકડો વધીને 350થી 400 ટ્રકો સુધી પહોંચી ગયો છે. માલની હેરફેર માટે ટ્રકોની સંખ્યામાં થયેલો આ અચાનક વધારો સૂચવે છે કે છૂટક બજારોમાં સુરતના કાપડની માગ કેટલી સારી છે.
ઈદનો પવિત્ર તહેવાર અને લગ્નસરાની સીઝન મુખ્ય કારણ
આ તેજી પાછળનું મુખ્ય કારણ ઈદનો પવિત્ર તહેવાર અને તે જ સમયે શરૂ થઈ રહેલી લગ્નસરાની સીઝન છે. સુરતનું ટેક્સટાઇલ માર્કેટ ખાસ કરીને સાડીઓ, ડ્રેસ મટીરિયલ્સ અને સૂટ-દુપટ્ટા માટે જાણીતું છે. ઈદમાં નવા વસ્ત્રોની ખરીદી અને લગ્ન પ્રસંગોમાં સાડીઓની ભારે માગને કારણે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી મોટા પાયે ઓર્ડર મળી રહ્યા છે.
આ પણ વાંચો---- Surat : બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યા કેસમાં નવો વળાંક, મહિલાના માનસિક ત્રાસથી બદનામીના ભયે બિલ્ડરે કર્યો હતો આપઘાત