સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરૂદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. સલાબતપુરા પોલીસ મથકની ટીમ દ્વારા બાતમીના આધારે ભાઠેના વિસ્તારમાં આવેલા રઝાનગર ખાતે રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ધમધમી રહેલા બે ગેરકાયદેસર કતલખાના ઝડપાયા છે. આ કાર્યવાહીમાં પોલીસે પશુઓને ક્રૂરતાના મોઢામાંથી ઉગારી લેવામાં આવ્યા છે.
11 પશુઓને ઉગારી લેવાયા
પોલીસે રઝાનગરમાં જ્યારે રેડ પાડી ત્યારે ત્યાં ગેરકાયદેસર રીતે પશુઓને કતલ કરવા માટે બાંધી રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. સલાબતપુરા પોલીસે સ્થળ પરથી 10 ભેંસ અને 1 પાડાને સહીસલામત રીતે મુક્ત કરાવ્યા હતા. આ પશુઓને તાત્કાલિક સુરક્ષિત પાંજરાપોળ અથવા ગૌશાળા ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
14 આરોપીઓની ધરપકડ
આ ગેરકાયદે કતલખાનાના સંચાલન અને પશુ ક્રૂરતાના ગુનામાં સંડોવાયેલા કુલ 14 આરોપીઓની પોલીસે સ્થળ પરથી જ ધરપકડ કરી છે. પકડવામાં આવેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, આ કતલખાના કેટલા સમયથી ચાલતા હતા અને તેમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે.
વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત
રેડની આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત કાફલો તેનાત કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોમાં પણ પોલીસની આ કામગીરીને પગલે ચર્ચાઓ જાગી છે. ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસ દ્વારા શહેરમાં પ્રતિબંધિત કતલખાનાઓ અને ગૌવંશ તેમજ અન્ય પશુઓની તસ્કરી રોકવા માટે સતત ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો - Surat News: પુણા વિસ્તારમાં મકાનમાં લાગી આગ, એક અઠવાડિયામાં આગની ત્રીજી ઘટના