સુરતના પાલ વિસ્તારમાં આવેલી શિવ રેસીડેન્સીમાં સર્જાયેલી ગંભીર દુર્ઘટના બાદ છેલ્લા 48 કલાકથી ગુમ રહેલા વિવાન બિલ્ડર્સ અંતે મીડિયા સમક્ષ હાજર થયા છે. બિલ્ડિંગના પાયામાં નુકસાન થવાને કારણે રહીશોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વિવાન બિલ્ડર્સે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, શિવ રેસીડેન્સીને કોઈ મોટું નુકસાન નહીં થાય અને તેને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં ઘટનાસ્થળે JCB અને ફોકલેન્ડ ટ્રકો દ્વારા માટીનું પુરાણ કરી જમીનનું ધોવાણ અટકાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેથી બિલ્ડિંગની મજબૂતી જળવાઈ રહે.


યુદ્ધના ધોરણે કામગીરી

બીજી તરફ, સુરક્ષાના કારણોસર બિલ્ડિંગના તમામ 192 પરિવારોને તાત્કાલિક અસરથી અન્યત્ર ખસેડવામાં આવ્યા છે અને બિલ્ડર દ્વારા તેમને વિવિધ હોટલોમાં આશરો આપવામાં આવ્યો છે. જોકે, રહીશોમાં હજુ પણ પોતાના ઘરની સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે. આ આખી ઘટનામાં હવે ટેકનિકલ પાસાઓની તપાસ માટે SVNIT (સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) ની મદદ લેવામાં આવી છે. આવતીકાલે SVNIT નો ઓફિશિયલ રિપોર્ટ આવશે, જેના આધારે નક્કી થશે કે બિલ્ડિંગ રહેવા લાયક છે કે નહીં અને આગળ કેવા પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad માં શિક્ષણ જગતમાં ફફડાટ, BU પરમિશનના અભાવે AMC દ્વારા 7 શાળાઓ સીલ

  • Follow us on: