સુરેન્દ્રનગર જિલ્લામાં એલસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને જુગારના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીથી ટીડાણા ગામ તરફ જવાના રસ્તા પર આવેલી એક વાડીની ઓરડીમાં ધમધમતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર પોલીસે અચાનક ત્રાટકીને મોટી કાર્યવાહી કરી છે. આ દરોડા દરમિયાન પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે 19 જેટલા જુગારીઓને રંગેહાથ દબોચી લીધા છે.



વાડીની ઓરડીમાં જામી હતી જુગારની મહેફિલ

ઘટનાની મળતી વિગતો અનુસાર, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, મૂળીથી ટીડાણા ગામ રોડ પર આવેલી એક વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવીને મોટા પાયે જુગાર રમાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી અને એલસીબી સહિતની ટીમોએ પ્લાન બનાવીને એકસાથે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોર્ડન કરીને ઓરડીની અંદર જુગાર રમી રહેલા તમામ 19 શખ્સોને ઝડપી લીધા હતા.


ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી આવ્યા હતા જુગારીઓ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ જુગારધામમાં માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી નામચીન જુગારીઓ નસીબ અજમાવવા આવ્યા હતા. ઝડપાયેલા 19 જુગારીઓમાં અમદાવાદ, રાજકોટ, મોરબી, પોરબંદર અને સ્થાનિક સુરેન્દ્રનગર જિલ્લાના શખ્સોનો સમાવેશ થાય છે.


27.55 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે ઘટના સ્થળેથી જુગારના પટમાંથી અને જુગારીઓની અંગઝડતી લેતા મોટી માત્રામાં મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં રોકડા રૂપિયા, 25 નંગ મોબાઈલ ફોન, 3 વૈભવી ફોર વ્હીલર ગાડીઓ સમાવેશ થાય છે.  પોલીસે આ તમામ સામગ્રી મળીને કુલ રૂપિયા 27.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ હાઈપ્રોફાઈલ જુગારધામ કોણ ચલાવતું હતું અને વાડીના માલિકની આમાં શું ભૂમિકા છે, તે અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે


આ પણ વાંચો - Surendranagar News: જિલ્લામાં પાંચ વર્ષથી એક જ જગ્યાએ ચીપકેલા 443 પોલીસ કર્મીઓની બદલી


  • Follow us on: