ઉનાળો હોય કે વરસાદ, કડકડતી ઠંડી હોય કે શહેરી વિસ્તાર કે પછી ગામડાની સીમ વિસ્તારો— 108 એમ્બ્યુલન્સ સેવા માત્ર એક કોલ પર અચૂક સેવા માટે સજ્જ રહે છે. આવી જ એક જીવ બચાવતી ઘટના આજે વહેલી સવારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી નજીક આવેલા કાસમપુર ગામની સીમ વિસ્તારમાં સામે આવી છે.
પતિએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવામાં ફોન કર્યો હતો
વહેલી સવારે એક પ્રસૂતા માતાને અચાનક ડિલિવરીના દુઃખાવા શરૂ થતાં તેમના પતિએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવામાં ફોન કર્યો હતો. કુરાલી ગામે તૈનાત 108 એમ્બ્યુલન્સ માત્ર 8 મિનિટમાં દર્દીના જણાવેલા સ્થળે પહોંચી ગઈ હતી. પ્રસૂતા માતા જ્યાં હતી ત્યાં સુધી વાહન પહોંચે તેમ ન હોવાથી EMT વિપુલ જરૂરી ડિલિવરી કિટ સાથે પગપાળા ઘરે પહોંચી ગયા હતા. તપાસ દરમિયાન તાત્કાલિક પ્રસવ થવાની સંભાવના હોવાથી સ્થળ પર જ ડિલિવરી કરાવવી અનિવાર્ય બની ગઈ હતી.
કુશળતાપૂર્વક બાળકની સલામત ડિલિવરી કરાવી
તપાસ દરમિયાન બાળક ઊંધું હતું અને ગળામાં નાળ પણ વીંટળાયેલી હતી, જે એક ગંભીર સ્થિતિ હતી. EMT વિપુલે તાત્કાલિક હેડ ઓફિસમાં બેઠેલા ઑનલાઈન ફિઝિશિયનનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવ્યું અને EMT ટ્રેનિંગમાં આપેલ ટ્રેનિંગથી ખૂબ કુશળતાપૂર્વક બાળકની સફળ અને સલામત ડિલિવરી કરાવી હતી. ડિલિવરી બાદ બાળક રડતું ન હતું તેમજ તેના ધબકારા અને શ્વાસોશ્વાસ ખૂબ ઓછા હતા. આ પરિસ્થિતિમાં EMT વિપુલે ન્યુબોર્ન રિસસિટેશન પ્રક્રિયા હાથ ધરી અને સતત કાળજી રાખી. હોસ્પિટલ પહોંચતા પહેલાં જ બાળકના ધબકારા અને શ્વાસોશ્વાસ સામાન્ય થઈ ગયા હતા.
2007માં 108 ઈમરજન્સી સેવા શરૂ થઈ હતી
ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવા વર્ષ 2007માં શરૂ કરવામાં આવી હતી. એક જ ફોન કોલ પર દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનાર 108 ઈમરજન્સી સેવા એ 18 વર્ષમાં લાખ લોકોના જીવ બચ્યા છે. વડોદરા જિલ્લાની આ ઘટનાએ ફરી એકવાર બતાવે કે 108 એમ્બ્યુલન્સ સેવા માત્ર પરિવહન નહીં પરંતુ જીવનરક્ષક સેવા છે, જ્યાં તાલીમબદ્ધ સ્ટાફની તત્પરતા અને નિષ્ઠાથી અનેક જીવ બચી રહ્યા છે. આપત્તિના સમયમાં લાખો લોકોના જીવન બચાવનાર 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા જીવાદોરી સમાન બની ગઈ છે.
આ પણ વાંચો: Ahmedabad: બાંગ્લાદેશમાં હિન્દુઓની પીડાથી મોરારીબાપુ વ્યથિત, તિરુપતિની વ્યાસપીઠ પરથી પૂછ્યું- હિન્દુ હોવું એ ગુનો છે?