સાવલીમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. વર્ષ 2024 માં અમલમાં આવેલા ભારતીય ન્યાય સંહિતા (BNS) ના નવા કાયદા હેઠળ રાજ્યમાં આ પ્રથમ વખત છે કે જ્યારે કોઈ આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હોય. સાવલી પોક્સો કોર્ટના જજ જે.એ. ઠક્કરે નિલેશ મનુભાઈ પાટણવાડીયાને ગુનેગાર ઠેરવીને તે તેના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહે તેવો કડક આદેશ આપ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ સી.જી. પટેલની દલીલો મહત્વની રહી હતી.

ન્યાયનો નવો અધ્યાય

આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે આરોપીએ 15 વર્ષીય સગીરાને પ્રેમ સંબંધની જાળમાં ફસાવી, ખેતરમાં લઈ જઈ તેની પર બળજબરી કરી હતી. સાવલી પોલીસ મથકે નોંધાયેલા આ ગુનામાં નવી સંહિતા મુજબ તપાસ હાથ ધરાઈ હતી. કોર્ટે આરોપીને માત્ર જેલની સજા જ નહીં, પરંતુ 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ ચુકાદાએ સાબિત કર્યું છે કે નવા કાયદા હેઠળ ગુનેગારો સામે હવે વધુ કડક અને ઝડપી પગલાં લેવામાં આવી રહ્યા છે.

સાવલી કોર્ટનો કડક સંદેશ

પીડિતાને ન્યાય અપાવવા માટે કોર્ટે માત્ર સજા પર જ ધ્યાન નથી આપ્યું, પરંતુ તેના પુનઃવસન માટે પણ મહત્વના આદેશો કર્યા છે. જિલ્લા લીગલ ઓથોરિટીને પીડિતાને 'વિક્ટિમ કોમ્પનસેશન સ્કીમ' હેઠળ 7 લાખ રૂપિયાની સહાય ચૂકવવા ભલામણ કરવામાં આવી છે. વધુમાં, આરોપી દ્વારા ભરવામાં આવનાર 1 લાખના દંડની રકમ પણ પીડિતાને જ સોંપવાનો આદેશ કરાયો છે. રાજ્યનો આ પ્રથમ એવો કેસ છે જેમાં નવા કાયદાની કલમો હેઠળ આટલી સખત સજાની જાહેરાત કરવામાં આવી હોય.

આ પણ વાંચો : Rajkot કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આટકોટમાં બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમ રામસિંગને ફાંસી