વૈશ્વિક સ્થિતિને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એસ્મા લાગુ કરાયાના પગલે કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ આજે ગેસઉત્પાદકો, વિતરકો ઉપરાંત મામલતદારો સાથે બેઠક યોજી પુરવઠાનો તાગ મેળવ્યો હતો. આ બેઠકો બાદ કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, વડોદરા શહેર અને જિલ્લામાં ઘરેલું ગેસના ગ્રાહકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગેસનો પૂરવઠો યોગ્ય માત્રામાં છે. તેમણે કાળાબજારી, સંગ્રહખોરી કરતા તત્વોને ડામવા માટે ટીમોનું ગઠન કરવાની પણ સૂચના જાહેર કરી છે.


સરેરાશ માગ કરતા વધુ ફિલિંગ ક્ષમતા વધુ

કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, જિલ્લા પુરવઠા અધિકારી ગીતા દેસાઈ દ્વારા આજે બે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં આઇઓસીએલ, બીપીસીએલ, એચપીસીએલના અધિકારીઓ, મામલતદારો સાથે તબક્કાવાર બેઠક યોજીને સ્થિતિનો ક્યાસ કાઢવામાં આવ્યો હતો. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા તાજેતરમાં વિવિધ સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ સૂચનાઓના અનુસંધાનમાં રાજ્ય સરકાર દ્વારા પણ જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. એલપીજી, પીએનજી અને સીએનજી પુરવઠા અંગે વિવિધ સ્તરે સૂચનાઓ આપવામાં આવી રહી છે.

ત્યારે એલપીજી અંગે ખાસ કરીને કેટલીક જગ્યાએ ગેરમાહિતી (મિસઇન્ફોર્મેશન) ફેલાતી હોવાની બાબત ધ્યાનમાં આવી છે. બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે હાલમાં જિલ્લામાં એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠા અંગે કોઈ તંગી નથી. ઘરેલુ વપરાશકર્તાઓને પ્રાથમિકતા આપવામાં આવશે અને દરેક ગ્રાહકને લગભગ ૨૫ દિવસના અંતરાલે સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગ્રાહકોએ ગેસ સિલિન્ડર માટે ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી રહેશે.

ગભરાહટને કારણે બુકીંગ વધતા મુશ્કેલી વધી

જિલ્લામાં એલપીજી વિતરણ માટે કાર્યરત ૫૨ એજન્સીઓ સાથે પણ બેઠક યોજીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. કોઈપણ જગ્યાએ કાળાબજારી ન થાય, જથ્થો ડાયવર્ટ ન થાય અને નિયમોનું પાલન થાય તેની ખાતરી કરવા તંત્ર દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. જિલ્લાના મામલતદાર કક્ષાએ ટીમો રચવામાં આવી છે, જે સતત ફિલ્ડ સ્તરે મોનિટરિંગ કરશે. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પણ સ્ટોક પોઝિશન અંગે નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે. ક્યાંય પણ ગેરરીતિ, ડાયવર્ઝન અથવા બ્લેક માર્કેટિંગની ઘટના સામે આવશે તો સંબંધિત કાયદાઓ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

3 સરકારી એજન્સી દૈનિક 14,700 બોટલ રીફીલ કરે છે

વડોદરા શહેર અને જિલ્લામાં હાલ કુલ મળી 5.44 લાખ જેટલા ઘરેલું ગેસ કનેક્શન અને 12,000 જેટલા વાણિજ્ય હેતુના ગેસ કનેક્શન ધારકો છે. હાલમાં આઇઓસીએલ દ્વારા 6000, એસપીસીએલ દ્વારા 5000 અને બીપીસીએલ દ્વારા 3700 જેટલા સિલિન્ડર ફિલિંગ કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પ્રતિદિન એકંદરે 8000 જેટલા બૂકિંગ આવે છે. તેની સામે પ્રતિદિન ત્રણેય કંપની દ્વારા 14,700 બોટલ રિફિલ કરવામાં આવે છે. મતલબ કે, માગની સામે ફિલિંગની ક્ષમતા વધુ છે. હવે બજારમાં ખોટી માહિતી ફેલાવાના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં બૂકિંગની સંખ્યા વધીને 12,000 જેટલી થઇ ગઇ છે. એટલે, આ બાબતને ધ્યાને રાખી કોઇ ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી.

આ પણ વાંચો : Rajkot કોર્પોરેશનનો પ્રજાલક્ષી નિર્ણય, વેરો ભરવા માટે શનિ અને રવિવારે કચેરીઓ ખુલ્લી રહેશે


  • Follow us on: