અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કતલના ઇરાદે 16 પશુઓને ટ્રકમાં ખીચોખીચ ભરી લઈ જવામાં આવ્યા હતા, જેને જીવદયા સંસ્થાના કાર્યકરો દ્વારા બચાવવામાં આવ્યા. કપુરાઈ પોલીસ દ્વારા ટ્રક અને પશુઓ સાથે કુલ રૂ. 6.40 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.


 પશુઓની હેરાફેરી કરતા ટ્રકો પર વોચ

વડોદરા શહેરના ગોરવા પંચવટી વિસ્તારમાં રહેતા સતિષભાઈ પરમારે ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ છેલ્લા 8 વર્ષથી પ્રાણી ફાઉન્ડેશનમાં જીવદયા કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે અંકિતકુમાર જનકભાઈ, જીતુભાઈ ચૌધરી અને રાજુભાઈ ભરવાડ સાથે મળીને કપુરાઈ ચોકડી રસ્તા પર પશુઓની હેરાફેરી કરતા ટ્રકો પર વોચ ગોઠવી હતી.

 જામ્બુવા રોડ પર રાત્રીના 8:15 વાગ્યે ટ્રકને રોકી તપાસ

સાંજે 7:30 વાગ્યાની આસપાસ, ડભોઈ તરફથી આવતી આઈસર ટ્રક શંકાસ્પદ લાગી. ટ્રકને રોકવા પ્રયત્ન કરવામાં આવ્યા છતાં ડ્રાઈવર ટ્રક ચલાવી નેશનલ હાઈવે પર સુરત તરફ દોડાવ્યો. જામ્બુવા રોડ પર રાત્રીના 8:15 વાગ્યે ટ્રકને રોકી તપાસ કરવામાં આવી, જેમાં ક્રૂરતાપૂર્વક બાંધેલા 16 પશુઓ મળી આવ્યા.

પશુઓનો બચાવ અને કાયદેસરની કાર્યવાહી

બચાવ પછી પશુઓને વડોદરા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા. પોલીસ દ્વારા ટ્રક અને 16 પશુઓ સાથે કુલ રૂ. 6.40 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અન્ય ફરિયાદ

પશુઓની હેરાફેરી અટકાવતા સમય દરમિયાન ટ્રક ચાલક અને ક્લીનર પર હાજર લોકોએ લાકડી અને ગડદાપાટુ માર માર્યો. જે બાદમાં ટ્રક ચાલકે અજાણ્યા ચાર લોકો સામે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


આ પણ વાંચો----  Vav Tharad : 22.48 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ભાણો જ આરોપી નીકળ્યો

  • Follow us on: