વડોદરા શહેરમાં વધતા વાહન ચોરીના કેસ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચ ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. નવાયાર્ડ અને ગોરવા વિસ્તારમાં રાત્રિ સમયે પાર્ક કરેલી એક્ટિવા સ્કૂટરોની ચોરી કરીને તેને ગિરવી મૂકતા રીઢા આરોપી આરિફ સાબીર અલાઉદ્દીન દિવાન (ઉંમર 29 વર્ષ, રહેવાસી સાઇનાથનગર, નર્મદા કેનાલની બાજુ, કરોડીયા રોડ)ને ઝડપ્યો છે. આરોપીની પાસેથી કુલ 6 એક્ટિવા સ્કૂટર જપ્ત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


 શંકાસ્પદ એક્ટિવા સાથે આરિફને પકડ્યો

મળતી માહિતી અનુસાર, ક્રાઇમ બ્રાન્ચ ટીમ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન ફતેગંજ જિમખાના રોડ પરથી નંબર વગરની શંકાસ્પદ એક્ટિવા સાથે આરિફને પકડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે છેલ્લા પાંચ મહિનામાં તેણે નવાયાર્ડ, ગોરવા અને હરણી વિસ્તારમાંથી 6 એક્ટિવા ચોરી કરી હતી. દરેક સ્કૂટરની નંબર પ્લેટ કાઢી નાખી અને તેને ગિરવી રાખી રૂ. 10 હજારથી 32 હજાર સુધીની રકમ મેળવી હતી.

ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલીને ચોરી કરતો હતો

આરિફ ચોરી કરેલી એક્ટિવાઓને જુદા-જુદા લોકોના નામે ગિરવી મૂકતો હતો તેને જુગારથી દેવુ થયેલું હોવાથી તે ચોરી કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અરિફ પકડાતા તે રાત્રે પાર્ક કરેલી એક્ટિવાઓ પર નજર રાખતો અને ડુપ્લિકેટ ચાવી વડે તેનો લોક ખોલીને ચોરી કરતો હતો.

આરોપી સામે કુલ 9 ગુનાઓ નોંધાયેલા છે

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, પકડાયેલા આરોપી ઉપર પહેલાથી વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 9 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં 5 વાહન ચોરી અને 4 જુગાર સંબંધિત છે. જપ્ત કરાયેલા સ્કૂટરોને લઈને વધુ તપાસ અને માલિકી તપાસ ચાલુ છે.

આ પણ વાંચો----   Gujarat માં 26 આઇએએસ અધિકારીઓની બદલી, સંજીવ કુમાર મુખ્યમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી નિમાયા

  • Follow us on: