વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા 31 વર્ષીય વેપારી રામ અશોકકુમાર ઠક્કર ક્રેડિટ કાર્ડના બિલ ભરપાઈ અને સર્વિસ ચાર્જના નામે છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમણે પોતાની ફરિયાદ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.


આરોપી જગેશભાઈ રવિન્દ્રકુમાર પટેલ સામે ફરિયાદ

ફરિયાદ અનુસાર, રામ ઠક્કર હોટલ, ફ્લાઇટ ટિકિટ બુકિંગ અને ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટનું કામ કરે છે. 7 જાન્યુઆરીના રોજ આરોપી જગેશભાઈ રવિન્દ્રકુમાર પટેલ સમા-સાવલી રોડ પર આવેલી ગ્લોબલ ડ્રીમ્સ કેરિયર સોલ્યુશન ઓફિસમાં આવી પહોંચ્યા અને કહ્યું કે તેમના IDBI બેન્કના ક્રેડિટ કાર્ડ બિલ 2.24 લાખ રૂપિયા ડ્યુ છે અને હાલ રોકડ નથી. તેઓએ ફરિયાદીને બિલ ભરવા વિનંતી કરી અને બદલામાં 3% સર્વિસ ચાર્જ આપવાની વાત કરી.

2.24 લાખ રૂપિયા આરોપીના ક્રેડિટ કાર્ડમાં ભરી આપ્યા

ફરિયાદીએ શરૂમાં 100 રૂપિયાનો ટેસ્ટ ટ્રાન્ઝેક્શન કર્યો, ત્યારબાદ પોતાની કંપનીના IDFC બેન્ક ખાતામાંથી કુલ 2.24 લાખ રૂપિયા આરોપીના ક્રેડિટ કાર્ડમાં ભરી આપ્યા. આરોપીએ પહેલા 2 લાખ અને પછી 24 હજાર રૂપિયાની રકમ ફાઈઝર્વ સ્વાઈપ મશીન દ્વારા પરત કરી, તેમજ 6,768 રૂપિયાનો સર્વિસ ચાર્જ યુપીઆઈથી ચુકવ્યો.

ટ્રાન્ઝેક્શનને સસ્પેક્ટેડ ગણાવી રોકી દેવામાં આવ્યું

થોડા દિવસ બાદ ફાઈઝર્વ તરફથી જાણ કરવામાં આવ્યું કે ટ્રાન્ઝેક્શનને સસ્પેક્ટેડ ગણાવી રોકી દેવામાં આવ્યું છે. ત્યારબાદ રકમ રિફંડ કરવામાં આવી, પરંતુ ત્યારબાદ આરોપીએ ફોન અને વોટ્સએપ પર સંપર્ક બંધ કરી દીધો. તેમની બાંહેધરી આપ્યા છતાં કોઈ સંપર્ક ન થયો.

પોલીસ તપાસ શરુ

સમગ્ર મામલે રામ ઠક્કરે જગેશભાઈ રવિન્દ્રકુમાર પટેલ વિરુદ્ધ 2.24 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સમા પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : આ વર્ષે ગુજરાત 16,700 સ્ટાર્ટઅપ્સ સાથે દેશમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ બન્યું હતું

  • Follow us on: