વડોદરાના નેશનલ હાઇવે નંબર 48 પર એ.પી.એમ.સી. માર્કેટ નજીક ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલી પીકઅપ ગાડી ઝડપી પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન ગાડીના ચાલક સહિત બે શખ્સોને પકડવામાં આવ્યા છે.


બંને આરોપીઓની પશુ અધિનિયમ હેઠળ ધરપકડ

કપુરાઇ પોલીસ દ્વારા બંને આરોપીઓની પશુ અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. કબજે કરાયેલા મુદ્દામાલમાં રૂ.36 હજારના પાંચ પશુઓ, પીકઅપ ગાડી સહિત કુલ રૂ.2.36 લાખનો મુદ્દામાલ સામેલ છે.

ગૌરક્ષા ટીમને બાતમી મળી હતી

મહત્વનું છે કે, ગૌરક્ષા ટીમને બાતમી મળી હતી કે દેણા ગામથી પીકઅપ ગાડીમાં પશુઓ ભરી કતલખાને લઈ જવાશે. બાતમીના આધારે ગૌરક્ષકોએ નેશનલ હાઇવે-48 પર એ.પી.એમ.સી. માર્કેટ પાસે વોચ ગોઠવી હતી. બપોરે આશરે 4 વાગ્યે ટ્રાફિક જામ દરમિયાન શંકાસ્પદ ગાડી નજરે પડતાં તેને સાઇડમાં રોકવામાં આવી હતી.

 પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વિના ખીચોખીચ ભરેલા પાંચ પશુઓ મળી આવ્યા

તપાસમાં ગાડીમાં પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વિના ખીચોખીચ ભરેલા પાંચ પશુઓ મળી આવ્યા. ગાડી ચાલક જયંતિ સના પઢિયાર (રહે. વલણ ગામ, કરજણ) અને બાજુમાં બેઠેલો રિઝવાન અયુબ મોઢી (રહે. માકડ ગામ, કરજણ) હોવાનું જાણવા મળ્યું. બંને પાસે પશુ હેરાફેરી અંગેના કોઈ કાયદેસર આધાર પુરાવા ન હતા.

પશુઓને પાંજરાપોળ ખાતે ખસેડ્યા

પોલીસે સ્થળ પર પહોંચી બંનેની ધરપકડ કરી, પશુઓને પાંજરાપોળ ખાતે ખસેડ્યા અને મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ પોલીસની તપાસ ચાલુ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો-----    Gujarat Flashback 2025 : ગુજરાત પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ..489ની ધરપકડ, 1,708 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ

  • Follow us on: