વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી મુખ્યમંત્રી ગૃહ યોજનાના મકાનમાં રહેતી એક મહિલાએ નોકરી અને આવાસ અપાવવાના બહાને અનેક લોકોથી કુલ રૂ. 16.12 લાખ પડાવી લીધાનો ગંભીર કેસ પ્રકાશમાં આવ્યો છે. ઠગાઈનો ભોગ બનેલા યુવકે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
કેવી રીતે કરવામાં આવી ઠગાઈ?
બિલ કેનાલ રોડ પર દેવેશ એમ્પેરિયામાં રહેતા પિયુષ પરષોતમભાઈ ચાવડાની પત્ની ઈશાબેને વર્ષ 2024માં પોલીસ ભરતીમાં અરજી કરી હતી, પરંતુ પ્રેક્ટિકલ ટેસ્ટમાં નિષ્ફળ ગઈ હતી. પિયુષના પિતરાઈ અરવિંદભાઈએ ઓળખાણ પરથી મિત્તલબેન કાર્તિક સાધુનો સંપર્ક કર્યો. મિત્તલબેનએ 3 લાખમાં પોલીસ ભરતીમાં "સેટિંગ" કરાવી આપવાનું કહ્યુ. દંપતી પાસેથી રૂ. 7 લાખ લઈ લીધા, પણ કોઈ નોકરી અપાઈ નહીં. ત્યારબાદ પિયુષભાઈને રેલવેમાં કાયમી નોકરી અપાવાની લાલચ આપી વધુ રૂપિયા માંગ્યા.













