વડોદરા શહેરમાં લાંબા સમયથી પકડમાં ન આવતાં 650થી વધુ આરોપીઓને શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશમાં વધુ 14 વોન્ટેડ આરોપીઓનો પત્તો મળ્યો છે. જેમાંથી સાત આરોપીઓના મોત થઈ ચૂક્યા હોવાનું ખુલ્યું છે.


 50 જેટલા વોન્ટેડ આરોપીઓને પકડવામાં સફળતા મળી

વડોદરા શહેર પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી પરપ્રાંતિય આરોપીઓને શોધવા માટે સંબંધિત રાજ્યોની પોલીસની મદદ લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં એક વર્ષથી લઈ 32 વર્ષ સુધીથી ફરાર રહેલા અંદાજે 50 જેટલા વોન્ટેડ આરોપીઓને પકડવામાં સફળતા મળી છે.

સાત આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ

ક્રાઈમ બ્રાન્ચે અપહરણ, છેતરપિંડી, ચોરી સહિતના વિવિધ ગુનાઓમાં વોન્ટેડ વધુ 14 આરોપીઓ અંગે માહિતી મેળવી છે. જેમાંથી સાત આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. આ પૈકી એક આરોપી બિહારની જેલમાં ડ્રગ્સ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય છ આરોપીઓને વડોદરા લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

 સાત આરોપીઓ અંગે તપાસમાં ખુલ્યું છે કે તેઓ હવે હયાત નથી

જ્યારે અન્ય સાત આરોપીઓ અંગે તપાસમાં ખુલ્યું છે કે તેઓ હવે હયાત નથી. આવા મૃત આરોપીઓના ડેથ સર્ટિફિકેટ મેળવી તેમના નામ પોલીસ રેકોર્ડમાંથી કમી કરવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીથી લાંબા સમયથી લટકેલા કેસોમાં ગતિ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો----    Gujarat Flashback 2025 : ગુજરાતમાં થઇ હતી એશિયાઈ સિંહોની વસતી ગણતરી, 2015ની સરખામણીએ સિંહોની સંખ્યામાં થયો 27%નો વધારો

  • Follow us on: