વડોદરા શહેરમાં ચારેક મહિના અગાઉ વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સ્થિત દશામાંના મંદિર પાસેના ઝૂંપડા પર મહાનગર પાલિકાએ બુલડોઝર ફેરવી નાંખ્યું હતું. જેના કારણે 300 જેટલા લોકો ઘર વિહોણા થયા હતાં.સરકારી આવાસ યોજના હેઠળ ઘર નહીં મળતા ગોરવા વિસ્તારના લોકો આજે એફોર્ડેબલ હાઉસિંગની કચેરીએ પહોંચ્યા હતાં અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ પૂંઠાના ઘર બનાવી ધરણાં કર્યા હતાં અને પોતાનું મકાન ઝડપથી મળે તેવી માગ કરી હતી.
મકાન નહીં મળે તો હવે ઉગ્ર આંદોલન થશે
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ ગરીબ માણસોએ મકાન માટે પાંચ હજાર રૂપિયાની ડિપોઝિટ પણ ભરી છે. વડોદરા શહેરમાં અનેક સરકારી આવાસો ખાલી પડ્યાં છે. તે છતાંય મકાનના લાભાર્થીઓને તેમના મકાનનો હક્ક આપવામાં આવતો નથી. આજે મકાનના દસ્તાવેજ અને પૈસા ભરેલી પહોંચ સાથે લોકો કચેરીએ પહોંચ્યા હતાં અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન લોકોએ ચીમકી આપી હતી કે, જો તેમને મકાન નહીં મળે તો હવે ઉગ્ર આંદોલન થશે.













