વડોદરા શહેરમાં નવી વરસાદી ગટર (બોક્સ કલ્વર્ટ) નાખવાની કામગીરીને પગલે આગામી દિવસોમાં શહેરના વિવિધ મુખ્ય જંકશનો પર સમયાંતરે રોડ રસ્તા બંધ રાખવામાં આવશે. ગોલ્ડન જંકશન, આજવા જંકશન, કપુરાઈ જંકશન અને તરસાલી જંકશન સહિતના વિસ્તારોમાં આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.


નવી વરસાદી ગટર નાખવાની કામગીરી શરૂ

કોર્પોરેશનની ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પ્રાથમિક તબક્કામાં વાઘોડિયા જંકશન વિસ્તારમાં નવી વરસાદી ગટર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન ભારે મશીનરી, મજૂરો અને કારીગરોની અવરજવર રહેતી હોવાથી આવતીકાલે તારીખ 20થી સતત દસ દિવસ સુધી વાઘોડિયા જંકશન પરથી તમામ પ્રકારના વાહન વ્યવહાર અને અવરજવર માટે રસ્તો સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે.

 વિકલ્પરૂપે અન્ય માર્ગોનો ઉપયોગ કરવા માટે તંત્ર દ્વારા સૂચના

શહેરના નાગરિકોને આ સમયગાળા દરમિયાન વિકલ્પરૂપે અન્ય માર્ગોનો ઉપયોગ કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા પણ માર્ગ વ્યવસ્થાને સુચારુ રાખવા માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવશે.

વિવિધ જંકશન પર તબક્કાવાર રીતે કામ હાથ ધરવામાં આવશે

તંત્રએ વધુમાં જણાવ્યું છે કે, વાઘોડિયા જંકશનની કામગીરી પૂર્ણ થયા બાદ ગોલ્ડન જંકશન, આજવા જંકશન, કપુરાઈ જંકશન અને તરસાલી જંકશન પર તબક્કાવાર રીતે કામ હાથ ધરવામાં આવશે. નાગરિકોને થતી અસુવિધા બદલ મહાનગરપાલિકાએ સહકાર આપવા અપીલ કરી છે.


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : ગુજરાતમાં થઇ હતી એશિયાઈ સિંહોની વસતી ગણતરી, 2015ની સરખામણીએ સિંહોની સંખ્યામાં થયો 27%નો વધારો

  • Follow us on: