વલસાડમાં સરીગામ ઉદ્યોગનગર વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે ફરી એકવાર ગેસ લીકેજની ઘટના બનતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અહીં દસમેશ રબર નામની કંપનીમાંથી ગેસ લીકેજ થયો હોવાના આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા છે. આ ઘટનામાં કેમિકલ રિએક્શનના કારણે પાંચ કામદારો ઈજાગ્રસ્ત થયાં છે. કામદારોને સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના ને પગલે GPCB એ તપાસ હાથ ધરી હતી.
ગેસ લીકેજ દસમેશ રબર કંપનીમાંથી થયો હતો
સ્થાનિકોના જણાવ્યા મુજબ,રાત્રિના સમયે અચાનક હવામાં અજીબ પ્રકારની દુર્ગંધ ફેલાઈ હતી અને આંખમાં ચુભન તથા ગળામાં બળતરા જેવી અસર અનુભવાઈ હતી. લોકોમાં ભયનો માહોલ ઊભો થતા કેટલાક લોકોએ તાત્કાલિક 112 પર ફોન કરીને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.માહિતી મળતા પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ ગેસ લીકેજ દસમેશ રબર કંપનીમાંથી થયો હતો.













