ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે.આ સિસ્ટમ અને મોસમી ટ્રફની સંયુક્ત અસરને કારણે સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેવાની પ્રબળ શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારો માટે આગામી 3 કલાક માટે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાંજે 5 થી 8 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. 


આગામી 3 કલાક માટે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ એલર્ટ હેઠળ ખાસ કરીને છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે.આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવતા વરસાદની આગાહી કરવામાં આવી છે.નાગરિકોને હવામાનની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા અને જરૂરી સલામતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

માછીમારો માટે કડક ચેતવણી

હવામાન વિભાગે માછીમારો માટે કડક ચેતવણી જારી કરી છે.આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. બંદર વિસ્તારોમાં પણ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દેવાયું છે. પવન અને ગાજવીજના કારણે લોકોને વીજળીના થાંભલા કે નબળા વૃક્ષો નીચે ઊભા ન રહેવા અને વહીવટી તંત્રની ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Gandhinagar News: 5 વર્ષમાં ગુજરાત પોલીસે 13600 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, 5346 આરોપીઓને જેલ ભેગા કર્યા



  • Follow us on: