નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગરુડેશ્વરમાં વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વર્ષ 2019માં ફાળવવામાં આવેલી સરકારી જમીન પર નિયમોનો ભંગ કરીને બાંધવામાં આવેલા ઉચ્ચ અધિકારીઓના મકાનો પર આખરે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.વર્ષ 2019માં સરકારે ગરુડેશ્વર ખાતે 13 જેટલા ઉચ્ચ અધિકારીઓને રહેણાંક હેતુ માટે સરકારી જમીનના પ્લોટ ફાળવ્યા હતા.
5 મકાનોને જમીનદોસ્ત કરી દીધા હતા
આ ફાળવણીમાં નક્કી કરવામાં આવેલી ચોક્કસ શરતોનું પાલન ન થતાં વિવાદ સર્જાયો હતો. આ પૈકી 7 અધિકારીઓએ જમીન પર મકાનોનું બાંધકામ કરી લીધું હતું. જ્યારે બાકીના 6 અધિકારીઓની જમીન સરકારે અગાઉ જ શ્રી સરકાર કરીને પરત લઈ લીધી હતી.નિયમોના ઉલ્લંઘન બદલ વહીવટી તંત્ર દ્વારા સંબંધિત અધિકારીઓને અગાઉ નોટિસ પણ પાઠવવામાં આવી હતી.અધિકારીઓ દ્વારા સરકારી શરતોનો ભંગ કરવામાં આવતા તંત્રએ આ પગલું ભર્યું છે.શનિવારે વહીવટી તંત્રના અધિકારીઓનો કાફલો બુલડોઝર સાથે ગરુડેશ્વર પહોંચ્યો હતો અને શરતભંગ થયેલા 5 મકાનોને જમીનદોસ્ત કરી દીધા હતા.













