અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકર પર હુમલો થતાં વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં ગયા હતા, જ્યાં આ ઘટના બની. ફરિયાદી ધીરજ રાઠોડ તેમના અન્ય કાર્યકરો સાથે પ્રચાર કાર્ય કરી રહ્યા હતા ત્યારે હસમુખભાઈ વોરા ઉર્ફે કાલુ ગુલાબીએ તેમનો વિરોધ કર્યો હતો.
બંને પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો
આરોપ છે કે તેમણે પ્રચાર અટકાવીને કાર્યકરને લાફો માર્યો હતો. આ અચાનક થયેલા હુમલા બાદ ત્યાં હાજર અન્ય કાર્યકરો તરત વચ્ચે પડ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી, જેથી વધુ મોટો વિવાદ ટળી ગયો. ઘટનાને લઈને વિસ્તારમાં થોડો સમય અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ચૂંટણી પ્રચાર દરમિયાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મામલો હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો.













