પોરબંદરના ચોપાટી વિસ્તારમાં ધુળેટીના તહેવાર દરમિયાન અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. તહેવારની મોજમસ્તી વચ્ચે કેટલાક અસામાજિક તત્વોએ રસ્તા પર જતા વાહન ચાલકો અને રાહદારીઓને નિશાન બનાવી મનફાવે તેમ રંગ ઉડાડ્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
અસામાજિક તત્વોએ રાહદારીઓ પર કલર ઉડાડતા નજરે ચડ્યા
માહિતી મુજબ ધુળેટી નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ચોપાટી વિસ્તાર તરફ ફરી વળ્યા હતા. તે દરમિયાન કેટલાક યુવાનો જૂથ બનાવી રસ્તા પરથી પસાર થતા બાઈક અને કાર ચાલકો પર જબરદસ્તી રંગ ફેંકતા નજરે ચડ્યા હતા. કેટલાક કિસ્સામાં વાહનચાલકોને અચાનક રંગ ફેંકાતા તેઓ ગભરાઈ ગયા હતા, જેના કારણે અકસ્માતની પણ શક્યતા ઊભી થઈ હતી. રાહદારીઓએ પણ આ વર્તનથી પરેશાની વ્યક્ત કરી હતી.













