ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા સરકારી કર્મચારીઓ સામે લાલ આંખ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સુરતમાં એક મોટો કિસ્સો સામે આવ્યો છે. સુરત જિલ્લા પંચાયતના પૂર્વ કર્મચારી અને નિવૃત્ત સિનિયર ક્લાર્ક દિલીપભાઈ નારણભાઈ પટેલ વિરુદ્ધ એસીબી પોલીસે અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિવૃત્ત કર્મચારી સામે આટલી મોટી રકમનો ગુનો નોંધાતા સરકારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
વધુ સંપત્તિ હોવા અંગેની એક અરજી મળી હતી
એસીબીના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વર્ષ 2019માં આરોપી દિલીપભાઈ પટેલ વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ હોવા અંગેની એક અરજી મળી હતી. આ અરજીના આધારે એસીબીની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી.
31 લાખથી વધુની અપ્રમાણસર મિલકત
તપાસ દરમિયાન વર્ષ 2008 થી વર્ષ 2018 સુધીના સમયગાળાના નાણાકીય વ્યવહારોની ચકાસણી કરવામાં આવી હતી. આ 10 વર્ષના સેવાકાળ દરમિયાન તેઓએ પોતાની કાયદેસરની આવકના સ્ત્રોત કરતા 31 લાખથી વધુની અપ્રમાણસર મિલકત એકત્ર કરી હોવાનો પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ
આ મામલે એસીબી દ્વારા આરોપીની તમામ સ્થાવર અને જંગમ મિલકતો, બેંક ખાતાઓ તેમજ અલગ-અલગ જગ્યાએ કરેલા રોકાણોના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે આ સંપત્તિ વસાવી હોવાના પુરાવા મળતા જ એસીબીએ ગુનો દાખલ કર્યો છે. નિવૃત્તિ બાદ પણ ભ્રષ્ટાચારના જૂના મામલામાં કાયદાનો સિંકજો કસાતા આ કેસ સુરતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live: 7 દિવસ દ. ગુજરાતમાં વરસાદની આગાહી