સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને ગુનાખોરીના નેટવર્કને નેસ્તનાબૂદ કરવામાં વધુ એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા સાંપડી છે. બે વર્ષ પહેલાં સુરતના સારોલી વિસ્તારમાં હત્યાના ઈરાદે અંધાધૂંધ ફાયરિંગ કરીને સનસનાટી મચાવનાર મુખ્ય આરોપીને પોલીસની સ્પેશિયલ ટીમે આખરે દબોચી લીધો છે. પકડાયેલો આ ખતરનાક શખ્સ અન્ય કોઈ નહીં પરંતુ રાજસ્થાન પોલીસનો પૂર્વ કોન્સ્ટેબલ સુરેશ છાબ હોવાનું સામે આવતા કાયદો અને વ્યવસ્થાના રક્ષકો પણ ચોંકી ઉઠ્યા છે.
પ્રેમ પ્રકરણની અદાવતમાં લોહિયાળ જંગ
આ હાઈ પ્રોફાઈલ કેસની વિગતો મુજબ, બે વર્ષ પહેલાં સારોલી વિસ્તારમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં એક ભયાનક લોહિયાળ જંગ ખેલાયો હતો. આ વિવાદમાં આરોપી સુરેશ છાબે સામો પક્ષ નમતો ન જોખતા હત્યા કરવાના ઈરાદે સરાજાહેર ગોળીબાર કર્યું હતું. અને ઘટનાને અંજામ આપીને નાસી છૂટ્યો હતો. કાયદાના રક્ષકમાંથી ભક્ષક બનેલો આ પૂર્વ પોલીસ કર્મચારી એટલો શાતિર હતો કે તે સતત પોતાના લોકેશન બદલીને પોલીસને હાથતાળી આપી રહ્યો હતો.













