સુરતના બહુચર્ચિત અને વિવાદિત નાસિર નગર ડિમોલિશન મામલે આખરે એક મોટો ખુલાસો થયો છે. આ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહેલા ઝોનલ ચીફ આશિષ નાયકે પોતાનો 40 પાનાનો વિસ્તૃત પ્રાથમિક અહેવાલ સત્તાવાર રીતે તપાસ સમિતિ સમક્ષ રજૂ કરી દીધો છે.
15 અધિકારીઓના રિપોર્ટમાં નામ
આ રિપોર્ટ સામે આવતા જ પાલિકા આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે, કારણ કે ડિમોલિશનની આ કડક કાર્યવાહી વખતે સ્થળ પર હાજર રહેલા 15 જેટલા ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓના નામોનો તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અમે તો સીમાંકન કરવા ગયા હતા
આ 40 પાનાના રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, તપાસના ઘેરામાં આવેલા તમામ 15 અધિકારીઓએ એક જ સૂર આલાપ્યો છે અને પોતાનો લૂલો બચાવ કરતા જણાવ્યું છે કે, તેઓ ત્યાં કોઈ ડિમોલિશન કરવા માટે નહીં, પરંતુ માત્ર જમીનનું ‘સીમાંકન’ કરવા માટે ગયા હતા. જોકે, આ અધિકારીઓનો આ દાવો ગળે ઉતરે તેમ નથી.
નોટિસ મુદ્દે સેવ્યું મૌન
સૌથી ગંભીર મુદ્દો એ છે કે, જ્યારે આ અધિકારીઓને પૂછવામાં આવ્યું કે ડિમોલિશન પહેલાં અસરગ્રસ્ત ગરીબ પરિવારો અને રહીશોને કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી કે નહીં? ત્યારે તમામ અધિકારીઓએ આ મહત્વના અને સળગતા પ્રશ્ન પર રહસ્યમય મૌન સેવી લીધું હતું. નોટિસ આપવાના મુદ્દે અધિકારીઓ પાસે કોઈ સંતોષકારક જવાબ ન હોવાનું રિપોર્ટમાં સ્પષ્ટ થાય છે.
કમિશનરની કાર્યવાહી પર સૌની નજર
હવે આ પ્રાથમિક અહેવાલના આધારે તપાસ સમિતિ પોતાની આગામી આકરી કાર્યવાહી નક્કી કરશે. આ સમિતિ પોતાનો આખરી અહેવાલ તૈયાર કરીને મ્યુનિસિપલ કમિશનરને સોંપશે. કમિશનર આ મામલે કયા કડક પગલાં ભરે છે અને કયા અધિકારીઓ પર ગાજ પડે છે, તેના પર હવે આખા સુરત શહેરની નજર ટકેલી છે.
આ પણ વાંચો----- Sandesh Digital Explainer : સ્પા કે સ્કેમ..? રિલેક્સેશનના ઓઠા હેઠળ ધમધમતી ‘સિન્ડિકેટ’ અને બરબાદ થતી યુવા પેઢી