સુરતમાં આરતી સાંગાણીના કિસ્સા બાદ પાટીદાર સમાજમાં વધુ એક આંતરજ્ઞાતીય લગ્નનો મામલો સામે આવતા સોશિયલ મીડિયાથી લઈને સમાજના અગ્રણીઓમાં ભારે આક્રોશ અને ખળભળાટ મચી ગયો છે. પાટીદાર સમાજની ઉભરતી અને જાણીતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે પ્રેમ લગ્ન કરી લેતાં આ નવો વિવાદ વકર્યો છે. 


સમાજના અગ્રણીઓએ કડક વલણ અપનાવ્યું 

આ ઘટના સામે આવતા જ પાટીદાર સમાજના અગ્રણીઓએ કડક વલણ અપનાવ્યું છે અને ગાયિકા રિદ્ધિ રાજપરાનો સ્ટેજ પ્રોગ્રામ્સ તેમજ ડાયરાઓમાંથી બહિષ્કાર કરવાની જાહેરમાં અપીલ કરી દીધી છે.

દીકરીઓને આ સિંગિંગ લાઈનમાં ન મૂકો

આ લગ્નને પગલે ઉઠેલા વિવાદ વચ્ચે સુરતના જાણીતા લોકગાયકો પણ મેદાનમાં આવ્યા છે અને વાલીઓ માટે ચોંકાવનારા નિવેદનો આપ્યા છે. લોકગાયક અશોક માણિયાએ ભારે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, "આ પ્રકારની ઘટનાઓથી સમગ્ર કલા જગત અને સમાજની પ્રતિષ્ઠા પર ગંભીર છાંટા ઉડ્યા છે." તેમણે વાલીઓને કરબદ્ધ વિનંતી કરી છે કે દીકરીઓને આ સિંગિંગ લાઈનમાં ન મૂકો, કારણ કે અહીં અંતે દીકરીઓએ જ માત્ર ભોગ બનવું પડે છે. કલાકારોના મતે, દીકરીઓને કેરિયરમાં આગળ વધારવા માટે સિંગિંગ સિવાયની પણ બીજી ઘણી સારી અને સુરક્ષિત લાઈનો ઉપલબ્ધ છે.

સમાજમાં આ પ્રકારનો આ કોઈ પહેલો બનાવ નથી

બીજી તરફ, લોકગાયક લાલુ માલવિયાએ આક્ષેપ કર્યો છે કે પાટીદાર સમાજમાં આ પ્રકારનો આ કોઈ પહેલો બનાવ નથી, અગાઉ પણ આવા કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. લાલુ માલવિયાએ સમાજના હિતમાં વાલીઓને કડક અને નમ્ર અપીલ કરી છે કે હવેથી પાટીદાર સમાજની દીકરીઓને ગાયક કલાકાર ન બનાવવી જોઈએ. 

સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા

હાલ આ ઘટના સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બની છે અને કલા જગતમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : સ્પા કે સ્કેમ..? રિલેક્સેશનના ઓઠા હેઠળ ધમધમતી ‘સિન્ડિકેટ’ અને બરબાદ થતી યુવા પેઢી

  • Follow us on: