સુરતના નાસિર નગર વિસ્તારમાં થયેલા ગેરકાયદે અને વિવાદાસ્પદ 'ભૂતિયા ડિમોલિશન' મામલે રોજ નવા વળાંક અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પાલિકાનો અધિકારી સુજલ પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે. સુજલ પ્રજાપતિએ પોતાનો ઝોન ન હોવા છતાં, સત્તાનો દુરુપયોગ કરીને શ્રી રામ એજન્સીને 3 પોકલેન, 2 બ્રેકર અને 60 માણસો સાથે ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપી હતી. આટલું જ નહીં, મૂળ જવાબદાર અધિકારીઓને સાઈડલાઈન કરીને પોલીસની હાજરીમાં જ આખું ડિમોલિશન કરાવી દીધું હતું. આ ગંભીર ઘટના બાદ સુજલ પ્રજાપતિ છેલ્લા 15 દિવસથી ઓફિસ આવ્યા નથી અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.


પીડિતો ખુલ્લામાં રહેવા મજબૂર

બીજી તરફ, આ ડિમોલિશનનો એક ડ્રોન વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાના 15 દિવસ વીતી ગયા હોવા છતાં પાલિકા કે તંત્રનો કોઈ વરિષ્ઠ અધિકારી પીડિતોની વહારે આવ્યો નથી, જેના કારણે અસરગ્રસ્ત પરિવારો આ ચોમાસાની ઋતુમાં ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે.

 5 લોકો સાથે 3 લાખમાં ડીલની ચર્ચા

સૂત્રોના જણાવ્યા મુજબ, બિલ્ડરે મામલો દબાવવા માટે અમુક રહીશો સાથે અંદરખાને સમાધાન શરૂ કર્યું છે, જેમાં 5 લોકો સાથે 3 લાખમાં ડીલ થઈ હોવાની ચર્ચા છે. ગરીબોને રૂપિયા આપીને તેમની પાસે "અમે સ્વેચ્છાએ ઘર તોડ્યા છે" તેવું બોલાવીને સેલ્ફી વીડિયો પણ શૂટ કરાવવામાં આવ્યા છે.

કાયદેસરનો રસ્તો શોધવાની કવાયત

આ આખી ઘટનામાં પહેલાં તોડફોડ કરી નાખ્યા બાદ હવે સુરત મહાનગરપાલિકા નું તંત્ર દોડતું થયું છે. ગત 12 જૂનના રોજ ટાઉન પ્લાનિંગના અધિકારીઓ ગુપ્ત રીતે બહુમાળી ભવનના 7મા માળે આવેલી સિટી સર્વે ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં જમીનની નોંધ નંબર 1267(3) ના નકશાઓ ઉથલાવીને કાયદેસરનો રસ્તો શોધવાની કવાયત હાથ ધરી છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો નકશા અને મંજૂરીની ખબર જ નહોતી, તો કોના ઈશારે આટલા પરિવારોના આશિયાના છીનવી લેવામાં આવ્યા?  


આ પણ વાંચો----     Gujarat Latest News Live: આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ

  • Follow us on: