વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહિબિશનના અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેરમાં નાશ કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની મંજુસર GIDCમાં આવેલી એક નિર્જન જગ્યાએ ચાર પોલીસ મથકોની હદમાંથી પકડાયેલા અંદાજે રૂ. 2.17 કરોડની કિંમતના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.


કોર્ટની મંજૂરી બાદ લેવાયું કડક પગલું

વડોદરા જિલ્લાના સાવલી, ભાદરવા, ડેસર અને મંજુસર એમ કુલ ચાર પોલીસ સ્ટેશનની હદમાં અલગ-અલગ રેડ દરમિયાન પોલીસે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આ જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલ અંગેની કોર્ટ અને કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થતાં, ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ દારૂના જથ્થાનો સુરક્ષિત નિકાલ કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

કુલ 90,965 બોટલો કનડીપીંડી કરાઈ

પોલીસ અને આબકારી વિભાગની દેખરેખ હેઠળ કુલ 90,965 નંગ વિદેશી દારૂની બોટલો મેદાનમાં ગોઠવવામાં આવી હતી. ત્યારબાદ તેના પર ભારેભરખમ રોલર ફેરવીને તમામ બોટલોનો કચ્ચરઘાણ વાળી દેવાયો હતો. નષ્ટ કરવામાં આવેલા આ દારૂના જથ્થાની કુલ અંદાજિત કિંમત રૂ. 2 કરોડ 17 લાખ 95 હજાર જેટલી થવા જાય છે.

ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા સંપન્ન

દારૂના નાશ કરવાની આ સમગ્ર કામગીરી વડોદરા ગ્રામ્યના નાયબ પોલીસ વડા (DySP), પ્રાંત અધિકારી તેમજ નશાબંધી અને આબકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ પાર પાડવામાં આવી હતી. પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોખંડી બંદોબસ્ત વચ્ચે આ સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરી હતી.


આ પણ વાંચો - Savli : RTI અંતર્ગત વિગતો ન આપતા તત્કાલીન PI અને મામલતદાર બંનેને 10 હજારનો દંડ



  • Follow us on: