સાયબર છેતરપિંડીના કેસો દિવસેને દિવસે વધુ ખતરનાક બની રહ્યા છે. હવે ગુનેગારો સામાન્ય ફોન કોલ કે લોટરીના મેસેજ સુધી સીમિત નથી રહ્યા, પરંતુ તેઓ આતંકવાદ, NIA, ATS અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓનો ઉપયોગ કરીને લોકોને માનસિક રીતે ડરાવી રહ્યા છે. મુંબઈમાં આવો જ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં BMCના 75 વર્ષીય નિવૃત્ત અધિકારી પાસેથી ₹16.50 લાખની છેતરપિંડી કરવામાં આવી.


11 ડિસેમ્બરે આવ્યો ફોન

પોલીસના જણાવ્યા મુજબ, અંધેરીમાં રહેતા પીડિતને 11 ડિસેમ્બરે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાને દિલ્હી આતંકવાદ વિરોધી ટુકડી (ATS)નો અધિકારી ગણાવ્યો. તેણે પીડિતને કહ્યું કે તેનું નામ તાજેતરના દિલ્હી બોમ્બ વિસ્ફોટોના શંકાસ્પદોની યાદીમાં સામેલ છે. આ વાત સાંભળતાં જ પીડિત ગભરાઈ ગયો. ત્યારબાદ ફોન કરનારે તેને ધમકી આપી અને જણાવ્યું કે જો તે તપાસમાં સહકાર નહીં આપે તો તેની ધરપકડ થશે. આ સમગ્ર પ્રક્રિયા “ગુપ્ત તપાસ” હોવાનું કહી પીડિતને કોઈને પણ આ અંગે ન જણાવવાની કડક સૂચના આપવામાં આવી.

એક એપ ઇન્સ્ટોલ કરવામાં આવી

આ પછી સાયબર ગુનેગારોના કહ્યા પ્રમાણે પીડિતના મોબાઇલમાં એક એપ ઇન્સ્ટોલ કરાવવામાં આવી. એપ મારફતે એક વીડિયો કોલ આવ્યો, જેમાં એક વ્યક્તિએ પોતાને NIA અધિકારી હોવાનું જણાવ્યું. તેણે પીડિત પર ખોટા આરોપ લગાવ્યા અને કહ્યું કે પીડિતના મોબાઇલ નંબર સાથે જોડાયેલા એક બેંક ખાતામાં મની લોન્ડરિંગ દ્વારા ₹7 કરોડ જમા થયા છે.

પીડિતને વધુ ડરાવવામાં આવ્યો

રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો હોવાનું કહી પીડિતને વધુ ડરાવવામાં આવ્યો. ત્યારબાદ તેની પાસે બેંક ખાતા, રોકાણો અને કુલ બચત વિશે માહિતી માંગવામાં આવી. તપાસના બહાને પીડિતને તમામ રકમ એક “ચકાસણી ખાતા”માં ટ્રાન્સફર કરવા કહેવામાં આવ્યું અને ખાતરી આપવામાં આવી કે નિર્દોષ સાબિત થતાં જ આખી રકમ પરત મળશે.

 કુલ ₹16.50 લાખ ટ્રાન્સફર

ડરના માહોલમાં પીડિતે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹16.50 લાખ ટ્રાન્સફર કરી દીધા. પૈસા ટ્રાન્સફર થતાં જ ફોન કરનારોએ તેનો નંબર બ્લોક કરી દીધો. ત્યારબાદ છેતરપિંડીનો અહેસાસ થતાં પીડિતે પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવી. પોલીસે સાયબર છેતરપિંડીનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે અને લોકોને આવા ડરાવનારા ફોનથી સાવચેત રહેવા અપીલ કરી છે.

આ પણ વાંચો : Maharashtraના 29 શહેરોમાં મેયર કોણ બનશે? જાણો લોટરીની સંપૂર્ણ પ્રક્રિયા


  • Follow us on: